‘ખાસ-ખબર’નાં અહેવાલ બાદ રોહા હાઉસિંગ ફાઇનાન્સનાં હવાતિયાં
પહેલા વીમાનાં 77,400 બતાવ્યા, હવે 63,331 રૂપિયા બતાવ્યા
- Advertisement -
વીમા પોલીસીંની કોઇ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી
રોહા ફાઇનાન્સે 3-3 હિસાબ આપ્યા, તમામમાં વિસંગતતા ભરેલી
રોહા હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા લોન ધારકોને કોથળામાં રાખી પાંશેરી મારીમાં આવી રહી હોય તેવો ઘાટ ધડાયો છે. લોન આપતા પહેલા બતાવેલા હિસાબ અને લોન મળી ગયા બાદ રજુ કરેલા હિસાબમાં ભારે વિસંગતાઓ જવા મળી રહી છે. આ અંગેનાં અહેવાલ ખાસ ખબરમાં પ્રસિધ્ધ થયા બાદ રોહા હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા હિસાબમાં ઢાંકપિછોડો કરવા દોડધામ મચી ગઇ છે. મેંદરડાનાં એક અરજદારે રોહા હાઉસિંગ ફાઇનાન્સમાંથી લોન લીધી હતી. તેમને રૂપિયા 14.90 લાખની લોનની અરજી મુકી હતી. રોહા હાઉસિંગ ફાઇનાન્સ કંપની દ્વારા લોન આપવામાં આવી હતી. બે ચેક આપવામાં આવ્યાં હતાં. બે ચેકની રકમ 13,75,332 થાય છે. તેમનાં 1,14,668 રૂપિયા કાપી લેવામાં આવ્યાં છે. અરજદારે હિસાબ માંગ્યો તો તેને સામાન્ય કાગળ ઉપર હિસાબ આપી દેવામાં આવ્યો હતો. વીમા જેવી બાબતની જાણ પણ કરાઇ ન હતી. આ અંગે અરજદારે ખાસ ખબરનો સંપર્ક કર્યો હતો અને ખાસ ખબરમાં રોહા હાઉસિંગ ફાઇનાન્સની ગોરખધંધાનાં અહેવાલ પ્રસિધ્ધ થયા હતાં. અહેવાલ બાદ રોહા હાઉસિંગ ફાઇનાન્સ કંપનીમાં રીતસરની દોડધામ મચી ગઇ હતી. કપાત રકમનાં હિસાબો રજુ કરવા હોડ લાગી હતી. રોહા હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા હિસાબમાં ઢાંકપિછોડો કરવા હવાતીયા મારી રહ્યાં છે. રોહા હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા અરજદારને અન્ય એક લેટર આપવામાં આવ્યો છે. આ લેટરમાં અને પહેલાની સેંકશન લેટરમાં પણ ઘણી વિસંગતા છે. પહેલા વીમાનાં 77400 કહ્યાં હતા. બાદ નવા લેટરમાં 63331 રૂપિયા બતાવવામાં આવ્યાં છે. એટલું જ નહી વીમા અંગે કોઇ માહિતી પણ આપવામાં આવી નથી. કઇ કંપનીનો વીમો છે? સહિતની વિગત આપવામાં આવી નથી. તેમજ 20 વર્ષે કુલ રકમ 41 લાખ રૂપિયા ભરવાનાં થાય છે.લોન લેતા પહેલા અરજદારને 40 હજારનો ખર્ચ થશે તેવું કહેવામાં આવ્યું હતું. બાદ 1.30 લાખથી વધુનો ખર્ચ થયો છે. આવી રોહા હાઉસિંગ ફાઇનાન્સ જેવી કંપનીઓ ગ્રાહકોને અંધારામાં રાખી વેતરી રહી છે. લોન અંગે સામાન્ય જ્ઞાન ધરાવતા અને અભણ લોકો પાસેથી વધારાનાં રૂપિયા ખંખેરવામાં આવી રહ્યાં છે.
- Advertisement -
સરકારે યોગ્ય પગલાં લઈ મર્યાદા નકકી કરવી જોઇએ
સામાન્ય અને અભણ લોકોને લોનનાં નામે છેતરવાનાં ઠેર-ઠેર હાટડા ધમધમી રહ્યાં છે. સામાન્ય લોકો પોતાના સપનાનું ઘર લેવા માટે લોન લે છે અને આવી સંસ્થાઓ તેમની પાસે ઉઘાડી લૂંટ ચલાવે છે ત્યારે સરકારે રોહા હાઉસિંગ ફાઇનાન્સ જેવી સંસ્થાઓ સામે કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઈએ અને આવી સંસ્થાઓ લોકો પાસેથી લોનની રકમનાં ઉઘરાણા બંધ કરે તેમજ ફી મર્યાદા નક્કી કરાવવી જોઇએ.
તમારી સાથે આવી છેતરપિંડી થઇ હોય તો ‘ખાસ-ખબર’નો સંપર્ક કરો
જૂનાગઢમાં ફાઇનાન્સનાં નામે અનેક લોકો છેતરાઇ રહ્યાં છે. તેમજ રોહા હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા યોગ્ય માહિતી કે જવાબ ન મળતો હોય તો આધાર પુરાવા સાથે ખાસ ખબર મો.નં. 96149 95149 ઉપર સંપર્ક કરવો. તમારી ન્યાયીક લડાઇમાં ખાસ ખબર તમારી સાથે રહેશે.