હાઇ-વેનાં બિસ્માર રસ્તાઓથી શહેરીજનો, ગ્રામ્યજનો અને ખેડૂતો ત્રસ્ત
ગ્રામ્ય રસ્તાઓનું ધોવાણ, વાડીએ જવું ખેડૂતોને બન્યું મુશ્કેલ
- Advertisement -
જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર યાતનાઓ યથાવત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
ચોમાસાની ઋતુમાં જૂનાગઢ શહેર, જિલ્લા અને નેશનલ હાઇવેના માર્ગોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે, જેના કારણે શહેરીજનો, વાહનચાલકો અને ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મનપા, માર્ગ-મકાન વિભાગ અને હાઇવે ઓથોરિટી દ્વારા રસ્તાઓના સમારકામ માટે ખર્ચવામાં આવતા કરોડો રૂપિયા છતાં દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ રસ્તાઓની હાલત ખરાબ થઈ જાય છે. મનપા દ્વારા રસ્તાઓ પર કરવામાં આવતા કામચલાઉ સમારકામ અને ’થીગડાં’ વરસાદમાં ધોવાઈ જતાં પરિસ્થિતિ ફરી યથાવત થઈ જાય છે. શહેરીજનોને રસ્તા પરના ખાડાઓ અને પાણી ભરાવાની સમસ્યાને કારણે વાહન ચલાવવામાં અને રાહદારી તરીકે ચાલવામાં ભારે મુશ્કેલીઓ પડે છે. જો મનપા દ્વારા એકવાર ટકાઉ અને મજબૂત રોડ બનાવવામાં આવે તો આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શકે છે, પરંતુ વર્ષો જૂની નીતિને કારણે આ સમસ્યા દર વર્ષે ઊભી થાય છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, કરોડો રૂપિયાના ખર્ચ છતાં મજબૂત રોડ કેમ નથી બનતા?
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની સડકોની હાલત પણ શહેરના રસ્તાઓ જેવી જ બિસમાર છે. અનેક રાજ્ય ધોરીમાર્ગો વરસાદમાં ધોવાઈ ગયા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને અવરજવર માટે ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત, ખેડૂતોને ખેતરોમાં જવા માટેના રસ્તાઓનું પણ ભારે ધોવાણ થયું છે. ચોમાસામાં ખેતીકામ માટે ખેડૂતોને વારંવાર વાડીએ જવું પડે છે, પરંતુ રસ્તાઓ ખરાબ હોવાને કારણે તેમને મુશ્કેલી વેઠવી પડે છે. ખેડૂતોની પ્રબળ માંગ છે કે સરકાર તાત્કાલિક અસરથી આ રસ્તાઓનો સર્વે કરાવીને નવા માર્ગો બનાવી આપે, જેથી તેમની મુશ્કેલીઓનો અંત આવે.આ ત્રણેય પરિસ્થિતિઓ દર્શાવે છે કે, જૂનાગઢ જિલ્લામાં રોડ-રસ્તાઓની સમસ્યા એક મોટી ચિંતાનો વિષય છે. સ્થાનિક પ્રશાસન અને સરકાર દ્વારા આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી લોકોમાં પ્રબળ માંગ ઉઠી છે, જેથી આગામી સમયમાં નાગરિકોને ખાડામુક્ત અને સુરક્ષિત રસ્તાઓ મળી રહે તેવી ગ્રામ્ય વિસ્તારમાં લોકોની માંગ ઉઠવા પામી છે.
હાઇવે પર ટોલ છતાં ત્રાસ: જેતપુર-રાજકોટ હાઇવેની કામગીરીમાં ગોકળગતિ
જૂનાગઢ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવેની હાલત પણ ચિંતાજનક છે. વાહનચાલકો પાસેથી મસમોટા ટોલ ઉઘરાવવામાં આવે છે, તેમ છતાં રસ્તાઓની ગુણવત્તા ખરાબ છે. જૂનાગઢથી સોમનાથ સુધીના નેશનલ હાઇવે પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે, જે વાહનચાલકો માટે જોખમરૂપ બન્યા છે. બીજી તરફ, જેતપુરથી રાજકોટ સુધી બની રહેલા સિક્સ લેન રોડની કામગીરી પણ અત્યંત ગોકળગતિએ ચાલી રહી છે. અગાઉ આ અંતર કાપવામાં દોઢથી બે કલાક લાગતા હતા, પરંતુ હવે આ જ રસ્તો કાપવામાં ત્રણ કલાકથી પણ વધુ સમય લાગે છે. રોડની ખરાબ હાલત અને ધીમી કામગીરીને કારણે વાહનચાલકોનો સમય અને પેટ્રોલનો વ્યય થઈ રહ્યો છે.