કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે મોઢવાડા અને રીણાવાડા ખાતે ખાતમુહૂર્ત કરાયું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે પોરબંદર જિલ્લાના મોઢવાડા અને રીણાવાડા ગામમાંથી 9 કરોડથી વધુના ખર્ચે વિવિધ રોડ અને રસ્તા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાસભર અને ટકાઉ રસ્તાઓનું કામ કરી રહી છે જેથી વાડી વિસ્તારના ખેડૂતોને પરિવહન સુવિધા સરળતાથી મળી રહે. તેમણે વધુમાં કહ્યું કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકશાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રૂ.10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે તેમજ ખેડૂતોની જણસની ખરીદી માટે રૂ.15 હજાર કરોડના ખર્ચે નિર્ણય કરીને ખેડૂત હિતમાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
રસ્તા વિકાસના ઝડપી અમલીકરણ માટે મંત્રીએ ખેડૂતોને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો અને રોડની સાઇટ પરથી વરસાદી પાણીની યોગ્ય નિકાલ વ્યવસ્થા રહે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. જે પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ પણ જિલ્લાના વિવિધ રોડ યોજનાઓની પ્રગતિ અંગે વિગતે વાત કરી હતી અને ગુણવત્તાસભર કામ થાય તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા. મંત્રીએ મોઢવાડાથી રામવાવ રોડના રૂ.2 કરોડ 99 લાખના ખર્ચે રીસર્ફેસિંગ કામ, મોઢવાડા-શીગડા સિમપરા રોડના રૂ.2 કરોડ 99 લાખના રીસર્ફેસિંગ કામ અને હર્ષદ એપ્રોચ રોડના રૂ.70 લાખના ખર્ચે કામ સહિત કુલ રૂ.6 કરોડ 68 લાખના ત્રણ રોડ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું.
રીણાવાડા ખાતે ક્ષાર અંકુશ વિભાગ હેઠળના રૂ.2 કરોડ 66 લાખના ત્રણ રોડ કામોનું પણ તેમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જિલ્લાભરમાં ગ્રામ્ય વિસ્તારોમાં રોડ સુવિધા સુધારવા માટે રાજ્ય સરકારના પ્રયાસો ઝડપથી આગળ વધી રહ્યા છે. આ કામોથી પરિવહન સુવિધા સુધરશે અને ખેડૂતો તથા ગ્રામજનોને રોજિંદા મુસાફરીમાં વધુ સુવિધા મળશે. જે પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર પિયુષભાઈ સિગરખીયા, તાલુકા વિકાસ અધિકારી એમ. ગજ, કાર્યપાલક ઈજનેર મકવાણા, પોરબંદર તાલુકા ભાજપ પ્રમુખ રાણાભાઇ મોઢવાડિયા તેમજ અગ્રણી સર્વે ભુરાભાઈ કેશવાલા, વિરમભાઈ કારાવદરા, હાથિયાભાઈ ખુટી, સામતભાઈ ઓડેદરા, પ્રતાપભાઈ કેશવાલા, ભરતભાઈ મોઢવાડીયા, કાળુભાઈ ગોઢાણીયા, વીજયભાઈ મોઢવાડીયા, દિલીપભાઈ મોઢવાડીયા સહિતના અગ્રણીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



