કોટેચા ચોક પાસે નવા નહીં પરંતુ જૂના ‘જ’ બ્લોક ફરી લગાવવાની કામગીરી: ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર
ખાસ-ખબર સંવાદદાતા
આર.એમ.સી. દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો રાજકોટના કોટેચા ચોક પાસે સ્પષ્ટપણે દેખાઈ આવે છે. રાજકોટની ભોળી જનતાને ક્યાં ખબર છે કે વિકાસના કામે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.આર.એમ.સી. દ્વારા શહેરના દરેક વોર્ડમાં પેવર બ્લોકની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે જે વિસ્તારમાં બ્લોક તૂટી ગયા હોય ત્યાં ફરી નવા બ્લોક નાખી રિપેરીંગની કામગીરી આર.એમ.સી.ના કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવે છે ત્યારે ખુદ નગરસેવકો જ પૈસા જાણે તેમના ગજવામાં નાખવા હોય તેમ જૂના જ બ્લોક કાઢી ત્યાં એના એ જ બ્લોકનું ફિટીંગ કરે છે.
- Advertisement -
સરકાર દ્વારા દરેક વિકાસના કામો માટે પૂરતી રકમ ફાળવવામાં આવેલ છે છતાં આ જૂના પેવર બ્લોક અને તૂટેલા બ્લોક ફરી જોઈન્ટ કરી જેમતેમ થીંગડા મારીને સરકારના પૈસા બચાવે છે કે પછી આ પૈસા પોતાના ખિસ્સા ભરવા માટે કરે છે તે વિચારવા જેવું ખરું.આજરોજ રાજકોટના કોટેચા ચોક પાસે આવેલ ધારેશ્ર્વર ડેરી પાસે આર.એમ.સી. દ્વારા જૂના બ્લોકને ટનાટન કરી ફરીથી એ જ જગ્યાએ એ બ્લોક લગાવી કોન્ટ્રાક્ટરો દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, શું આની જાણ નગરસેવકોને હશે? તે એક સવાલ છે.