ડોમ્બીવલીમાં કચ્છ બિદડા પાટીદાર સમાજ ઉપક્રમે જાથાનો અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાયો : જાથાનો 10064મો કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મુંબઈના ડોમ્બીવલી ખાતે કચ્છ બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજના ઉપક્રમે ભારત જન વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણ અને લોકજાગૃતિ કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં ગ્રહ, સુરાપુરા અને પિતૃદોષ નિવારણ જેવા કર્મકાંડોને સંપૂર્ણ બોગસ ગણાવી તેની વૈજ્ઞાનિક સમજ અપાઈ હતી. આ જાથાનો અત્યાર સુધીનો 10064 મો કાર્યક્રમ સફળ રહ્યો હતો.
કાર્યક્રમનું ઉદઘાટન વૈજ્ઞાનિક પદ્ધતિથી સમાજના હોદ્દેદારો લાલજીભાઈ લધા છાભૈયા, જયંતિલાલ કાનજી શીરવી, હિરાલાલ કરમશી સેંઘાણી સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં અગ્નિનું આપોઆપ પ્રાગટ્ય કરાવી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના તેજસ્વી છાત્ર-છાત્રાઓનું સન્માન પણ ભવ્ય રીતે યોજાયું હતું.
જાથાના રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ ચમત્કારિક પ્રયોગો રજૂ કરતા જણાવ્યું કે ભારતમાં સદીઓથી કર્મકાંડ અને ક્રિયાકાંડ દ્વારા માનવી બરબાદી તરફ ધકેલાયો છે. ગ્રહદોષ નિવારણ કે પિતૃદોષની વિધિઓનો કોઈ આધાર નથી અને તેનાથી ફાયદા કરતાં નુકશાન જ વધુ થાય છે. શ્રદ્ધા અને માન્યતાઓ માનવીને પાછળ ખેંચે છે, વિકાસમાં અવરોધ ઉભો કરે છે અને આર્થિક-સામાજિક રીતે પાયમાલ કરે છે. વાસ્તુશાસ્ત્ર, ફેંગશુઈ, ટેરાશાસ્ત્ર, મેલી વિદ્યા, ભૂતપ્રેત નિવારણ જેવા તમામ ઉપાયો અંધશ્રદ્ધા સિવાય કંઈ નથી, તેમ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું.
જાથાના કાર્યકરોએ ઉપસ્થિત લોકોને ચમત્કારોના ભેદ ઉકેલી બતાવ્યા હતા. જેમાં બોલતું તાવીજ, હાથ-માથા પર દીવા રાખવા, રૂપિયાનો વરસાદ, જીભની આરપાર ત્રિશુલ નાખવો, પાણીમાં અગ્નિ થવો, કાનમાંથી ચિઠ્ઠી વાંચવી સહિતના પ્રયોગોનો સમાવેશ થયો હતો. અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, રવિ પરબતાણી અને સાહિલ રાજદેવે આ પ્રયોગોમાં ભાગ લીધો હતો. મીમિક્રી આર્ટિસ્ટ ઉમેશ રાવ અને તુષાર રાવે આબેહુબ પ્રસ્તુતિ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.
- Advertisement -
સમાજની આગેવાન હેમલતાબેન પારસીયાએ જણાવ્યું કે અંધશ્રદ્ધાને દૂર કરવા માટે આવા કાર્યક્રમો અત્યંત ઉપયોગી છે અને સમાજના ઉત્કર્ષ માટે લાભપ્રદ સાબિત થશે.