કાર્તિક મહેતા
કહેવાય છે કે ઉગતા સૂરજની સહુ પૂજા કરે છે.
વીસ કે એકવીસમી માર્ચ આસપાસ એક વિશેષ દિવસ આવે છે જેને સંસ્કૃતમાં વસંત સંપાત દિન કહેવાય અને અંગ્રેજીમાં વિંટર ઇકવિનોકસ કહેવાય.
આ દિવસ વિશેષ એટલા માટે હોય છે કે આ દિવસે દિવસ અને રાતની લંબાઈ સરખી હોય છે. દર વર્ષે આ જ દિવસે પારસીઓ નવરોઝ (મૂળ શબ્દ નવ વર્ષ) મનાવે છે. કેમકે પારસીઓ પ્રાચીન સમયથી મિત્રા નામના દેવ તરીકે સૂર્યને માનતા આવ્યા છે.
ભારતનું કેલેન્ડર સુર્ય સાથે ચંદ્ર ને મહત્વ આપે છે અને આથી આપણે શું કરીએ છીએ કે ફાગણ મહિનાની પૂનમને હોળી તરીકે ઉજવી નાખીએ છીએ.. તો કુલ મળીને આ દિવસ વિશેષ છે. 21-22 ડિસેમ્બરના દિવસથી સુર્ય ઉત્તર દિશા બાજુ ભ્રમણ શરૂ કરે છે જેને ઉતરાયણ કહેવાય છે. પ્રાચીન સમયમાં મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ 14 જાન્યુઆરી આસપાસ આવતા હશે એટલે આપણે ત્યાં મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ દિવસે મનાવાય છે.
કુલ મળીને સૂર્યની ચડતી કળાને લોકો વધાવે છે.
તંત્રની ભાષામાં સૂર્યને માતા કહેવાય છે જે સૃષ્ટિનું પાલન પોષણ કરે છે. આપણે જે કાઇ ખાઈએ છીએ એ બધું મૂળ તો સુર્ય થકી પોષણ પામેલું હોય છે. આમ, આપણે સુર્ય પ્રકાશ જ ખાઈએ છીએ .
આપણને શાળામાં ભણાવાય છે કે વનસ્પતિ સુર્ય પ્રકાશનું શોષણ કરીને પોતાનો ખોરાક બનાવે છે. પરંતુ આપણને એ કદી ભણાવવામાં આવતું નથી કે આપણે અને દુનિયાનું દરેક પ્રાણી પણ સુર્ય પ્રકાશનું શોષણ કરે છે.
યસ !! આ સાવ ખરી વાત છે. આપણે ચામડી અને આંખો દ્વારા સુર્ય પ્રકાશનું શોષણ કરીએ છીએ. જો આ સુર્ય પ્રકાશનું શોષણ આપણે ના કરીએ તો આપણું જીવન સમાપ્ત થઈ જાય!!
માંડીને વાત કરીએ. શરીરને ઘી અને બીજી ડેરી પ્રોડક્ટ તથા (માંસાહારી હોય તો) માંસાહાર થી કોલેસ્ટેરોલ નામનું એક રસાયણ મળે છે. આ રસાયણ શરીર માટે અત્યંત ઉપયોગી છે, બલ્કે અનિવાર્ય છે એમ કહો તો ચાલે.
આ કોલેસ્ટરોલ શરીરમાં ચામડી નીચે અને લોહીમાં હોય છે.
જેવો સુર્ય પ્રકાશ (ખાસ તો સુર્ય પ્રકાશના અલ્ટ્રા વાયોલેટ બી પ્રકારના કિરણો) ચામડી ઉપર પડે કે તરત જ ચામડી “સાવધાન” થઈ જાય છે. ચામડી પોતાના નીચેના સ્તરમાં રહેલા કોલેસ્ટરોલ ને લોહી ના કેલ્શિયમ સાથે ભેળવવા લાગે છે
યાદ રહે કે આ જાદુઈ પ્રક્રિયા કેવળ સુર્ય પ્રકાશમાં જ શક્ય છે. કેલ્શિયમ સાથે કોલેસ્ટેરોલ જોડાઈ જાય એટલે વિટામિન ડી 2 બને છે જે એક અસ્થાયી રસાયણ હોય છે..
આ અસ્થાયી રસાયણ એક જટિલ પ્રક્રિયા થી વિટામિન ડી 3 માં ફેરવાય છે. આમ, સુર્ય પ્રકાશ થકી શરીરમાં વિટામિન ડી 3 બને છે જે ખરેખર તો એક હોર્મોન છે. આ હોર્મોન શરીર માટે કેટલો આવશ્યક છે એ વર્ણન કરવા માટે અલાયદો લેખ લખવો પડે પણ ટુંકમાં કહીએ તો શરીરની તમામ ગતિવિધિમાં આ વિટામિન ડી 3 તરીકે ઓળખાતા હોર્મોન ની જરૂર પડે છે.
જો વિટામિન ડી 3 ના મળે અથવા ઘટી જાય તો હૃદય રોગ, ડિપ્રેશન, થાઈરોઈડ, ડાયાબિટીસ, નપુંસકતા જેવી અનેક અનેક બીમારીઓ/સમસ્યાઓ થઈ શકે છે. સુર્ય પ્રકાશનું શોષણ આપણી આંખો પણ કરે છે. 1923 સુધી માનવામાં આવતું કે આંખોમાં એક જ પ્રકારના કોષ છે કે જે પ્રકાશને શોષીને મગજમાં દ્ર્શ્ય બનાવે છે.
પણ 1923મા અંધ ઉંદર ઉપર પ્રયોગો કરીને અમુક એવા કોષ શોધવામાં આવ્યા જે જોવા માટે કામના નહોતા પણ એનું કનેક્શન શરીરના એક મહત્વના હોર્મોન એવા મેલેટોનીન સાથે હતું. આ મેલેટોનિન મગજમાં ત્યારે જ પેદા થાય છે જ્યારે સૂર્યનો પ્રકાશ ઘટે છે. જ્યા સુધી સુર્ય પ્રકાશ રહે ત્યાં સુધી મેલેટોનિન પેદા થતો નથી પણ જેમ સુર્ય પ્રકાશ ઘટે એટલે કે સાંજ પછી મેલેતોનીન બનવા લાગે છે અને આપણને ઊંઘ આવવા લાગે છે
આજે કૃત્રિમ લાઈટિંગ કરી કરી ને આપણે હજારો વર્ષો જૂની આપણી આ મેલેટનીન પ્રોડકશનની સાયકલ ને ખોરવી નાખી છે.
- Advertisement -
પરિણામ??
પરિણામ નજર સમક્ષ છે. આજે લોકોમાં ઊંઘની અનિયમિતતા વધતી જાય છે, માનસિક રોગો વધતા જાય છે, કેન્સર સાથે પણ આનો સંબંધ કહેવાય છે.
આમ, સુર્ય પ્રકાશ નું શોષણ કેવળ વનસ્પતિ જ નહિ પણ દરેક સજીવ કરે છે.
સુર્ય જીવન દાતા, પાલક પોષક માતા છે. આથી દરેક સંસ્કૃતિમાં ચડતા સૂર્યનો ઉત્સવ મનાવાય છે.