ખાસ-ખબર સંવાદદાતા
બ્રિટિશ રાજકારણમાં હાલ ભારે હલચલ મચી છે. બોરિસ જ્હોન્સને અંતે વડાપ્રધાનપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. હવે ક્ધઝર્વેટિવ પક્ષના નવા નેતાની ચૂંટણી પ્રક્રિયા શરૃ થશે. જોકે, જ્હોન્સને 10 ડાઉનિંગ સ્ટ્રીટ પરથી તેમનું અંતિમ ભાષણ આપ્યું તે પહેલાં જ ભારતીય મૂળના સુએલા બ્રેવરમેને વડાપ્રધાનપદ માટે દાવેદારી નોંધાવી દીધી છે. જોકે, પીએમપદ માટે ભારતીય મૂળના રિશિ સુનાકનું નામ આગળ હોવાનું મનાય છે. યુકે કેબિનેટમાં હાલ એટર્ની જનરલ પદ પર નિયુક્ત સુએલા બ્રેવરમેન વડાપ્રધાનપદ માટે દાવેદારી નોંધાવનારા ભારતીય મૂળના નેતાઓમાં અગ્રેસર છે. આ સિવાય નાણામંત્રીપદેથી રાજીનામું આપનારા રિશિ સુનાક, ગૃહમંત્રી પ્રીતિ પટેલ પણ પીએમપદ માટે ભારતીય મૂળના સંભવિત દાવેદારોમાં અગ્રેસર હોવાનું મનાય છે. 42 વર્ષીય વકીલ અને સરકારમાં સૌથી વરિષ્ઠ કાયદાકીય અધિકારી સુએલા બ્રેવરમેન ક્ધઝર્વેટિવ પક્ષની પ્રો-બ્રેક્ઝિટ પાંખમાં મજબૂત પ્રભુત્વ ધરાવતા હોવાનું મનાય છે. બ્રેવરમેને કહ્યું કે, વડાપ્રધાનપદ માટે હું દાવેદારી નોંધાવું છું, કારણ કે મારું માનવું છે કે 2019ના ચૂંટણી ઢંઢેરામાં દેશ માટે જે આશાસ્પદ વિઝન દર્શાવાયું હતું તે વચનોને હું પૂરાં કરી શકું
તેમ છું.