સૌરાષ્ટ્રના ભાજપ આગેવાનોને ચૂંટણી પહેલા બુથ મજબૂત કરવાનો આદેશ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે. રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટમાં આજે ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. શહેરના કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, વિનોદ ચાવડા હાજર રહેશે. બેઠકમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ, રોડ-શો અને બેઠકોને લઈને રોડ મેપ તૈયાર કરાયો છે.
રાજકોટમાં ભાજપ કાર્યાલય ખાતે આજે બપોરે 1 વાગ્યે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ હતી. જેમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાના પ્રમુખ અને પ્રભારી હાજર રહ્યા હતા. આજની બેઠકમાં સૌરાષ્ટ્રના ભાજપ આગેવાનોને ચૂંટણી પહેલા બુથ મજબૂત કરવાનો આદેશ આપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. તેમજ વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલું હોમવર્ક કેટલું થયું તેની માહિતી મેળવાઇ હતી. 42 અપેક્ષિત લોકોને જ બેઠકમાં પ્રવેશ અપાયા હતા.
- Advertisement -
પેજ પ્રમુખ સમિતિનું કામ પૂર્ણ: શહેર ભાજપ પ્રમુખ
આ અંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની આજે બેઠક છે. બપોરે 1 વાગ્યે આ બેઠકનો પ્રારંભ થવાનો છે. પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા આ બેઠક લેવાના છે. જેમાં 15 મહાનગર અને જિલ્લા અપેક્ષિત છે. રાજકોટ, જાનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાના પ્રમુખ અને પ્રભારી હાજર રહેશે. કુલ 43 લોકો અપેક્ષિત છે તેની બેઠક યોજાવાની છે. ચૂંટણીઓ તો આવતી જ હોય છે પરંતુ ભાજપનો કાર્યકર્તા સજ્જ જ હોય છે. સી.આર. પાટીલે પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી છે ત્યારપછી પેજ પ્રમુખ સમિતિનું કામ પૂરું થઇ ગયું છે.