ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં નામદાર મોરબી કોર્ટ દ્વારા ઓરેવા કંપનીના બંને મેનેજરના રિમાન્ડ નામંજુર કરવામાં આવતા તપાસનીશ ટીમ દ્વારા ઉપલી કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી છે જેની આગામી તા. 9 ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. મોરબીમાં ગત તારીખ 30 ને રવિવારના રોજ ઝૂલતો પુલ તૂટવાના કેસમાં 135 લોકોના અકાળે મોત મામલે ઓરેવા કંપનીના મેનેજર અને ફેબ્રિકેશન કોન્ટ્રાકટરના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તપાસનીશ ટીમ દ્વારા ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખ અને દિનેશ દવેને સાથે રાખી કલેક્ટર કચેરી રાજકોટ તેમજ મોરબી અને મોરબી નગરપાલિકામાં ક્રોસ તપાસ માટે વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી પરંતુ નામદાર કોર્ટે બંને પક્ષની દલીલ બાદ રિમાન્ડની માંગણી નામંજુર કરી હતી જો કે તપાસનીશ અધિકારી દ્વારા આ મામલે મોરબીની ઉપરની કોર્ટમાં રિવિઝન રિમાન્ડ અરજી કરવામાં આવી હોવાથી તેની વધુ સુનાવણી આગામી તા. 9 ના રોજ કરવામાં આવશે તેવું સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા જણાવવામાં આવ્યું હતું.
દુર્ઘટનાની તપાસ માટે ઉપલી કોર્ટમાં બે મેનેજરોની રિવિઝન રિમાન્ડ અરજી, કાલે સુનાવણી
