પ્રભારી મંત્રીઓની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ જિલ્લાના સર્વાંગી વિકાસને ગતિશીલ બનાવવા માટે કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને સહ-પ્રભારી મંત્રી કૌશિક વેકરીયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી સચિવ દિલીપ રાણાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિભાગોના પ્રગતિ હેઠળના કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
મંત્રીએ જૂનાગઢ મહાનગરપાલિકા સહિત કેશોદ, માંગરોળ, માણાવદર, બાંટવા અને વિસાવદર નગરપાલિકાઓના વિકાસલક્ષી કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. ખાસ કરીને નરસિંહ મહેતા તળાવ અને વાઘેશ્વરી તળાવના બ્યુટીફિકેશન, નરસિંહ વિદ્યામંદિરનું રીસ્ટોરેશન અને જોષીપરા રેલ્વે ઓવરબ્રિજ જેવા મહત્વના પ્રોજેક્ટ્સ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન પ્રભારી મંત્રીએ જૂનાગઢ શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે શહેરને ’ફાટક મુક્ત’ કરવાના આયોજન પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, માણાવદર રિવર ફ્રન્ટ અને ઘેડ વિસ્તારના સિંચાઈ પ્રોજેક્ટ્સ અંગે પણ જરૂરી પરામર્શ કરાયો હતો. મંત્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે રોડ, રસ્તા અને ગટર જેવા પાયાની સુવિધાના કામોમાં ગુણવત્તા જળવાય અને તે નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અનિવાર્ય છે.
આ બેઠકમાં કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ અને એસપી સુબોધ ઓડેદરા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ મંજૂરીની પ્રક્રિયા હેઠળના કામોને વહેલી તકે પૂર્ણ કરી પ્રજાલક્ષી સુવિધાઓ કાર્યાન્વિત કરવા તાકીદ કરી હતી.



