ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના પ્રશ્નો અને વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મેયર ધર્મેશભાઈ પોશિયા, કલેકટર અનિલકુમાર રાણાવસિયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રીએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે ખાસ કરીને મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ અંગે પરામર્શ કર્યો હતો. લાખો ભાવિકો માટે રસ્તા, પાર્કિંગ અને અન્ય મૂળભૂત સુવિધાઓની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. વેકરીયાએ જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી સહિતની ખેતપેદાશોની ખરીદી અને ખેડૂતો માટેના રાહત સહાય પેકેજ સંદર્ભે થયેલી કામગીરીની પણ સમીક્ષા કરી હતી. જિલ્લાના 48 સ્થળો પર ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં આશરે 38,500 ખેડૂતોએ 8.50 લાખ ક્વિન્ટલ મગફળીનું વેચાણ કર્યું છે. મંત્રીએ ખરીદી કેન્દ્રો પર સતત દેખરેખ રાખવા અધિકારીઓને સૂચના આપી હતી જેથી ખેડૂતોને મુશ્કેલી ન પડે. કમોસમી વરસાદથી થયેલ કૃષિ પાકના નુકસાન સામે કુલ 1.60 લાખ અરજીઓ થઈ છે. જે પૈકી 34,300 ખેડૂતોને કુલ રૂ. 107 કરોડની ચુકવણી કરી દેવામાં આવી છે. મંત્રીએ બાકીના ખેડૂતોને પણ રાહત સહાય પેકેજની ચુકવણી ઝડપભેર થાય તે માટે માર્ગદર્શન કર્યું હતું.



