ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જિલ્લામાં પશુઓમાં ફેલાયેલા લમ્પી વાયરસને રોકવા તેમજ પશુઓની સારવાર માટે પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અંગે મોરબી કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં જિલ્લાના અધિકારીઓ અને પદાકિારીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કૃષિ, પશુપાલન તેમજ ગૌસંવર્ધનકેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, પશુપાલન વિભાગની કામગીરી એકંદરે સારી છે. સરકાર દ્વારા આ રોગને નાથવા તેમજ નાબૂદ કરવા નક્કર આયોજન થકી વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે ગાયમાતા અને ગૌવંશમાં ફલાયેલા રોગમાંથી ગાયમાતાને બચાવવા માટે તેમજ આ રોગ નાબૂદ કરવા સંયુક્ત પ્રયાસ કરવા અપીલ પણ કરી હતી તેમજ ગાયમાતાના મૃતદેહનો તાત્કલિક યોગ્ય નિકાલ કરવા, રખડતા ઢોરમાં અસરગ્રસ્ત પશુઓને આઇસોલેશન કરવાની કામગીરી સારી રીતે કરવામાં આવે તથા રસીકરણ સત્વરે પુરુ કરવા સંલગ્ન વિભાગોને સુચના આપી હતી.