હિરાસર એરપોર્ટના રન-વે હેઠળ પાણીનો પ્રવાહ પસાર થતો રહેવા દેવા થતી બોકસ કલવર્ટની ડિઝાઈન ન મળતાં અત્યાર સુધી કામ કાચબાની ગતિએ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટથી આશરે 30 કિલોમીટર દૂર આવેલા હિરાસર ખાતે નિર્માણાધીન આંતરરાષ્ટ્રીય વિમાન મથક લગભગ માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થશે અને આ પ્રોજેકટનો પ્રથમ તબક્કો ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. 1025 હેકટરમાં ફેલાયેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનાવવામાં આવી રહ્યું છે ત્યારે આ એરપોર્ટની કામની સમીક્ષા અંગે ઉડ્ડયન વિભાગના અધિકારીઓ સાથે આજે સાંજે રિવ્યુ મિટીંગ યોજાવાની છે તેવું રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું.
- Advertisement -
વધુમાં કલેકટરે જણાવ્યું હતું કે 1025 હેકટરમાં ફેલાયેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કામગીરીની સમીક્ષા બેઠક આજે સાંજે યોજાશે. આ ઉપરાંત જે રન-વે નીચેથી કોઝવે પસાર થઈ રહ્યો છે તેની ડિઝાઈન ઉડ્ડયન વિભાગ દ્વારા દિલ્હી મોકલી આપવામાં આવી છે. આ અંગે ઝડપી યોગ્ય કામગીરી થાય તે માટે કલેકટર કમર કસી રહ્યા છે. આ ઉપરાંત આ પ્રોજેકટથી સ્થાનિક લોકોને રોજગારી મળશે તેમજ સમગ્ર સૌરાષ્ટ્રને ફાયદો થશે. હાલમાં રાજકોટ એરપોર્ટ પરથી દર વર્ષે 4 લાખ સ્થાનિક પ્રવાસીઓ ઉડાન ભરે છે.
2023 સુધીમાં આ સંખ્યા વાર્ષિક છ લાખ પ્રવાસીઓ સુધી પહોંચવાની ધારણા છે. હિરાસર એરપોર્ટ રન-વે હેઠળથી પાણીનો પ્રવાહ પસાર થતો રહેવા દેવા બોક્સ કલવર્ટ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે પરંતુ તેની ડિઝાઈન ઝડપથી બનાવવા દિલ્હી ખાતે મોકલી આપવામાં આવી છે. આમ આ કારણોસર અત્યાર સુધી રન-વેનું કામ હાલ ગો-સ્લો મોશનમાં ચાલી રહ્યું છે ત્યારે આ કામની ગતિ વધારવા કલેકટર આજરોજ મિટીંગ યોજશે.