ડ્રોન કેમેરાથી ૧૧૪૪ આવાસોના બાંધકામની અને રૈયા સ્માર્ટ સીટીની કામગીરીની કરાયેલી સમીક્ષા
વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટની રીવ્યૂ બેઠક યોજાઈ હતી, જેમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન મોદીએ ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર પ્રોજેકટના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યુ હતું અને અન્ય આનુષંગિક બાબતોથી માહિતગાર થયા હતા.
- Advertisement -
ટેકનોલોજી પ્રોવાઇડર જીગ્નેશ મહેતાએ પ્રધાનમંત્રીને રૈયા સ્માર્ટ સિટીની તમામ વિગતોથી વાકેફ કર્યા હતા અને રૈયા સ્માર્ટ સિટી ખાતે બંધાઈ રહેલા ૧૧૪૪ આવાસોની પ્રગતિનું બે અલગ અલગ ડ્રોન દ્વારા કરાયેલું હવાઇ નિરીક્ષણ વડાપ્રધાન સમક્ષ રજૂ કર્યું હતું.
પ્રધાનમંત્રી દ્વારા સને ૨૦૨૨ સુધીમાં સૌને “ઘરનું ઘર” મળી રહે તે માટે ૨૦૧૫માં જાહેર કરાયેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશભરમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એકી સાથે ઓછા સમયમાં વધુ પ્રમાણમાં આવાસો બનાવવામાં આવી રહ્યા છે. વિશ્વભરમાં પ્રચલિત અને ભારતમાં અનુકૂળ એવી ૫૪ ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં રાજકોટ (ગુજરાત), લખનઉ (ઉત્તર પ્રદેશ),રાંચી (ઝારખંડ), અગરતલા (ત્રિપુરા), ઈન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નાઈ (તમિલનાડુ)ની પસંદગી કરવામાં આવેલ છે.
- Advertisement -
જે અન્વયે રાજકોટ શહેરમાં માલાણી કન્સ્ટ્રકશન એજન્સી દ્વારા રૈયા સ્માર્ટ સિટી ખાતે (મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સ)ના વડપણ હેઠળ (બિલ્ડીંગ મટીરીયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સિલ)ના સંકલનમાં રહીને ગુજરાત સરકાર તરફથી એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ ૧૧૪૪ આવાસોની બાંધકામની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટમાં નિર્માણ પામી રહેલા આ લાઇટ હાઉસ પ્રોજેકટના આવાસોનો મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી દ્વારા ડ્રો કરવામાં આવ્યો છે અને ડ્રોમાં આવાસ મેળવનાર લાભાર્થીઓને વર્ષ ૨૦૨૧ ના અંતમાં આ આવાસોની સોંપણી પણ કરવામાં આવશે. તા.૧.૧.૨૦૨૧ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ મહત્વાકાંક્ષી પ્રોજેકટનું ઇ-લોકાર્પણ કર્યું હતું. આજે ૬ માસ અંતિત થયેલ કામગીરીની તેઓએ આજરોજ ઈ-સમીક્ષા કરી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવે છે. જેથી આવાસ યોજનાની કામગીરી આશરે ૧ વર્ષમાં પૂર્ણ થશે. આ પ્રકારની ટેક્નોલોજીના ઉપયોગથી આવાસોનું નિર્માણ કાર્ય ઝડપથી થઇ શકે છે. બાંધકામની સારસંભાળ અને જાળવણીમાં ઓછો સમય લાગે છે અને બાંધકામ મજબૂત તથા ટકાઉ બને છે.
આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા ૧.૫ લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. ૧.૫ લાખની સહાય મળવાપાત્ર છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ ૪.00 લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ આપવામાં આવે છે. રૂ.૧૧૮ કરોડના ખર્ચે EWS-ll (૪૦.૦૦ ચો.મી.) પ્રકારના ૧૧૪૪ આવાસો (G+૧૩)નું નિર્માણ કાર્યરત છે.
રૈયા સ્માર્ટ સીટીના ટી.પી. સ્કીમ નં ૩૨ માં ૪૫ મી રોડ પર આ પ્રોજેક્ટ સાકાર થઇ રહેલ છે. દરેક આવાસમાં ૨ રૂમ, લિવિંગ રૂમ, રસોડું, ટોયલેટ-બાથરૂમ, વોશિંગ એરિયાની સુવિધા આપવામાં આવનાર છે. તેમજ રસોડામાં પ્લેટફોર્મની નીચે કેબીનેટ અને એક બેડરૂમમાં કબાટ જેવી સુવિધાઓ ઉપરાંત પંખા એલ.ઈ.ડી. લાઈટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે. આવાસોમાં પાર્કિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, આંગણવાડી, ગાર્ડન, કોમ્યુનિટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઇટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી સહિયારી સુવિધાઓ પણ આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં મેયર પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, હાઉસિંગ કમિટીના ચેરમેન બીનાબેન રાણપરા, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, સિટી એન્જિનિયર અલ્પના મિત્રા, ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી તથા અન્ય અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.