કલેક્ટર અને DDO દ્વારા ફૂડ ઇન્સ્પેક્શન, દવા છંટકાવ અને ક્લોરિનેશન પર ભાર મૂકાયો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી જિલ્લામાં સંચારી રોગચાળા અને મેલેરિયાને અટકાવવા માટે થયેલી કામગીરીની સમીક્ષા કરવા માટે આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, કલેક્ટર કે.બી. ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં જિલ્લામાં પાણી અને ખોરાકજન્ય રોગચાળાની સ્થિતિ, ક્લોરિનેશનની કામગીરી, મેલેરિયા, ડેન્ગ્યુ, વાયરલ, ટાઇફોઇડ અને કોલેરા જેવી બીમારીઓ અંગે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
- Advertisement -
કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ દવા છંટકાવ, પાણી લીકેજનું યોગ્ય મોનિટરિંગ, ક્લોરીન ટેસ્ટ અને બેક્ટેરિયોલોજિકલ તપાસ કરવા માટે સૂચના આપી હતી. હાલમાં લોકમેળા અને અન્ય જાહેર સ્થળોએ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્શન કરવા પણ જણાવવામાં આવ્યું હતું.
મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ ન વધે તે માટે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા લેવાયેલા પગલાંની પણ સમીક્ષા કરવામાં આવી હતી. હોટલ અને નેશનલ હાઈવે સહિતના રસ્તાઓ પર પાણી ભરાઈ રહેવાથી મચ્છરનો ઉપદ્રવ વધી શકે તેવી પરિસ્થિતિમાં નેશનલ હાઈવે ઓથોરિટી અને સંબંધિત વિભાગોને નોટિસ આપવા માટે પણ સૂચન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રાવસ્તવ, જિલ્લા આયોજન અધિકારી વી.બી. માંડલિયા, ચીફ ઓફિસરો, તાલુકા આરોગ્ય અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.