બિનખેતી, હેતુફેરની દોઢ વર્ષ અરજીનો નિકાલ થતો નથી: તેનો ઝડપથી નિકાલ થાય તેવી માગ
રેસિડેન્સિયલ સ્ટેમ્પ અગાઉ 300 રૂપિયા મળતો હતો તેના સીધા 500 અને કોમર્શિયલ માટે ભાડ કરાર સ્ટેમ્પનો ભાવ 300 હતો તે વધારીને 1000 કરાયા
કબજાફેર, ક્ષેત્રફળ વધ-ઘટ, આકૃતિમાં ભુલ વગેરે જેવી ભુલો સુધારવાની કાર્યવાહીમાં પણ ખુબ વિલંબ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજે રાજકોટ રેવન્યુ બાર એસોસિયેશનના સભ્યોએ રેવન્યુને લગતા પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશને આવેદન પાઠવી રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારા હાલમાં ભાડા કરારમાં વપરાતાં સ્ટેમ્પના ભાવમાં 40 થી 50 ટકાનો વધારો કર્યો છે. જેથી હવે રેસિડેન્સિયલ સ્ટેમ્પ અગાઉ 300 રૂપિયા મળતો હતો. તેના સીધા 500 કરવામાં આવ્યાં છે.જ્યારે કોમર્શિયલ માટે ભાડ કરાર સ્ટેમ્પનો ભાવ રૂ 300 હતો તે વધારીને રૂ 1000 કરવામાં આવ્યાં છે. જેને લઇને હવે ભાડે મિલકત રાખતાં લોકોના માથે વાર્ષિક બોજો વધશે. સરકાર દ્વારા ભાડા કરાર સ્ટેમ્પ વધારો કરતાં 5 વર્ષથી વધુ મુદત માટે ભાડે રાખેલી મિલકત ઓછામાં ઓછો 10 હજાર રૂપિયાનો સ્ટેમ્પ વાપરવાનો રહેશે. જે ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ છે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જ્યારે આ સિવાય ખેડૂતોને જૂની નોંધમાં ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી માટે અરજી કરવામાં આવેલ હોય છે. જે કચેરીની કામગીરીમાં ફક્ત જંત્રીના ભાવ ધ્યાને લઈ તે મુજબ વેલ્યુએશન કરીને ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી જ વસૂલવાની હોય છે આમ આવી સામાન્ય કામગીરીમાં પણ બે થી ત્રણ મહિનાનો સમય પસાર થાય છે. અરજદારો તથા વકીલો પોતાની અરજીનું ફોલો-અપ લેવા જાય ત્યારે ફાઈલો પણ સ્ટાફને મળતી નથી. અને અરજીનો નિકાલ પણ ક્રમશ: થતો નથી. અમુક સિલેક્ટેડ વ્યક્તિઓના જ કામનો નિકાલ થાય છે. સરકારી રેકોર્ડ પણ મેન્ટેન રાખવામાં આવતું નથી. આવી અનેક સમસ્યાઓ આ કચેરીમાં ઉદભવે છે.
ડી.આઈ.એલ.આર. તેમજ નાયબ નિયામકની કચેરીમાં રિ-સરવે માપણીમાં મોટાભાગની ખેતીની જમીનોમાં કચેરી દ્વારા ખુબ જ મોટી ક્ષતિઓ રાખી દીધેલ છે જેમ કે કબજાફેર, ક્ષેત્રફળ વધ-ઘટ, આકૃતિમાં ભુલ વગેરે જેવી ભુલો સુધારવાની કાર્યવાહીમાં પણ ખુબ વિલંબ કરે છે અને આવી ભુલો સુધારવા માટે ખુબ જ વિલંબ કરવામાં આવે છે. આજે રેવન્યુ બાર એસોસિયેશન દ્વારા આવેદન સુપ્રત કરવાના યોજાયેલા કાર્યક્રમ અગાઉ મોટી સંખ્યામાં વકીલો કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં એકઠા થયા હતા. જેમાં રેવન્યુ એસોસિયેશનના પ્રમુખ રમેશભાઈ કથીરિયા, વિજય તોગડીયા સહિતના વકીલો પણ જોડાયા હતા.