ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
દુનિયામાં ગ્લોબલ વોર્મિગની વધતી સમસ્યાને લઈ પ્રકૃતિની જાળવણી ખૂબ જ જરૂરી છે. સાથે જ પ્રકૃતિમાં વસતા જીવ એટલે કે પશુ પક્ષી અને જીવજંતુઓનો કોઈને કોઈ રીતે પ્રકૃતિને જાળવવા માટે મદદરૂપ થાય છે ત્યારે ધ્રાંગધ્રા શહેરના એક પ્રકૃતિ પ્રેમી દ્વારા પોતે નિવૃતિના જીવનમાં પણ મોટાભાગનો સમય પ્રકૃતિ પાછળ ખર્ચ કરવાનો નિત્યક્રમ બનાવી લીધે છે.
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ વિસ્તારમાં રહેતા અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકેની સેવા આપી નિવૃતિનું જીવન ગાળતા જયંતીભાઈ દેગામા પોતાની રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકેની ફરજ પરથી વયમર્યાદા લીધે નિવૃત થયા બાદ પણ હજુય પ્રકૃતિના ખોળે સમય વીતાવી રહ્યા છે. જયંતિભાઇ દેગામા હાલ નિવૃતિના સમયની સાથે પોતાના પેન્શનમાંથી હજજારો પક્ષીઓ અને પશુઓને દરરોજ ખોરાક આપવાનું સેવાકાર્ય હાથ ધર્યું છે. જેમાં દર મહિને 40 હજારનો સ્વખર્ચ કરી ધ્રાંગધ્રા અને આજુબાજુ વન વગડા વિસ્તારમાં વસતા અનેક પક્ષીઓને ચણ નાખવાના કાર્યને નિયમિત બનાવ્યું છે.
- Advertisement -
જયંતિભાઇ દેગામા દ્વારા જણાવ્યું હતું કે “ધ્રાંગધ્રા શહેરના માનસરોવર તળાવ, લાકડા ધાર, કાપેલીધાર, રણકાંઠા, પરોઢિયા સહિતના વગડા વિસ્તારમાં વૃક્ષો પર વસતા પક્ષીઓ માટે પોઇન્ટ ઊભા કર્યા છે જેમાં પક્ષીઓને ચણવા માટેના સાધનો ગોઠવી સમયાંતરે તેમાં બાજરી, ઘઉં, ચોખા, મકાઈ સહિતનો ખોરાક નાખવામાં આવે છે અને આ પ્રક્રિયા અઠવાડિયે કે મહિને એક વખત નહીં, પરંતુ દરરોજ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને પક્ષીઓને ખોરાકની સાથે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. નિવૃત આર.એફ.ઓ જયંતીભાઈ દેગામા પોતે દર મહિને 40 હજાર રૂપિયાનો ખર્ચ પ્રકૃતિને જીવંત રાખવા માટે કરી રહ્યા છે. જેમાં પોતે દાન ઉઘરાવવા માટે પણ લોકોને અપીલ કરતા નથી. જ્યારે દર મહિને 40 હજારનો ખર્ચ પોતાની ભાડે આપેલી દુકાનો અને પેન્શનમાંથી ખર્ચ કરી પશુ પક્ષીઓ પાછળ વપરાશ કરે છે”. આ સાથે જયંતિભાઇ દેગામા આ તમામ નિત્યક્રમની પ્રવૃતિ પાછળ “પરમાત્માની શક્તિ” અને પરિવારની પણ મહેનત હોવાનું જણાવે છે. ત્યારે જયંતિભાઇ પોતે વન વિભાગમાં સામાન્ય ચોકીદાર તરીકેની ફરજ નિભાવતા છેલ્લે આર.એફ.ઓ સુધીનું પ્રમોશન લીધા બાદ નિવૃત થતા પ્રકૃતિએ આપેલી તમામનો આભાર વ્યક્ત કરે છે.
ચોમાસામાં પક્ષીઓના ખોરાકનો સ્ટોક અલગથી રખાય છે
જયંતિભાઇ દેગામા દ્વારા જણાવ્યું હતું કે “ચોમાસામાં વન વગડામાં પક્ષીઓને ખોરાક મળવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે અને સૌથી વધુ ચોમાસામાં જ પક્ષીઓ ભૂખ્યા રહે છે જેથી ચોમાસા દરમિયાન પક્ષીઓને વધુ ખોરાકની જરૂરિયા ઊભી થતી હોવાથી અલગ સ્ટોક રાખવામાં આવે છે”
- Advertisement -
પક્ષીઓને ખોરાકની સાથે પાણીની વ્યવસ્થા પણ કરાય છે
નિવૃત રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા વગડામાં આશરે 110થી વધુ પોઇન્ટ ખોલવામાં આવ્યા છે જેમાં પક્ષીઓને વૃક્ષો પર ખોરાક મળી રહે તે માટે ચણદાની બનાવી લગાવવામાં આવે છે આ સાથે પક્ષીઓ ખોરાક લીધા બાદ તુરંત પોતાની તરસ છીપાવવા માટે પાણીની શોધ કરતા હોય છે જેને લઇ ખોરાકની સાથે પાણીના કુંડા પણ બાંધવામાં આવે છે જેમાં નિત્યક્રમ પાણીની વ્યવસ્થા કરાય છે.
વગડામાં પક્ષીઓના ખોરાક માટે 110 પોઇન્ટ ઊભા કરાયા છે
જયંતિભાઇ દેગામા દ્વારા ધ્રાંગધ્રાની આસપાસના વિસ્તારોમાં પક્ષીઓના ખોરાક માટે 110 પોઇન્ટ ઊભા કર્યા છે. જેમાં એક વૃક્ષ પર ઊભા કરેલ એક પોઇન્ટમાં 10થી 50 ચણદાની મૂકવામાં આવી છે. જે ચણદાનીમાં નિત્યક્રમ પક્ષીઓના ખોરાક અંગે દેખરેખ રાખવામાં આવે છે.
જેન્તીભાઇ દેગામાનું પ્રકૃતિની સાથે માનવસેવામાં પણ યોગદાન
રેન્જ ફેરેસ્ટ ઓફિસર તરીકે નિવૃતિ બાદ જેન્તીભાઇ દેગામા દ્વારા દર્દીઓને ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સની સુવિધા પણ સ્વખર્ચે ઉભી કરી છે. જેમાં ખૂબ જ વ્યાજબી ભાડાથી દર્દીઓને એમ્બ્યુલન્સની સેવા આપી રહ્યા છે જ્યારે આ એમ્બ્યુલન્સમાં થયેલ તમામ આવક પણ પક્ષીઓના ચણ અને પ્રકૃતિ પાછળ ખર્ચ કરાય છે.



