ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.19
મોરબી મહાનગરપાલિકા લોકોની પાયાની જરૂરિયાત પૂરી કરવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ રહી છે. તાજેતરમાં શહેરની બે અલગ અલગ સોસાયટીઓમાં પાણીની તંગી અને રસ્તા મુદ્દે નાગરિકોએ મનપા કચેરીએ મોરચો કાઢતા અધિકારીઓ સામે આક્રોશ ફાટી નીકળ્યો હતો. શહેરની વાવડી રોડ પર કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી પીવા પૂરતું પાણી મળતું ન હોવાથી રહીશો ભારે તકલીફમાં મુકાયા હતા. મચ્છુ ડેમ છલોછલ ભરાયેલ હોવા છતાં આશરે 500 પરિવારો પાણી વિના જીવન જીવવા મજબૂર બન્યા છે. આથી રહીશોએ મનપા કચેરીએ હૈયાવરાળ ઠાલવ્યો હતો અને તાત્કાલિક સમસ્યાનું સમાધાન નહીં થાય તો ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
તે જ રીતે મોરબીના રવાપર રોડ પર આવેલી 15 જેટલી સોસાયટીઓના રહીશોએ રસ્તો મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. લોકોએ આક્ષેપ કર્યો હતો કે અમુક પ્લોટ ધારકોએ ગેરકાયદે બિનખેતી કરી રસ્તો અવરોધી નાખ્યો છે. આથી હજારો લોકોની અવરજવર મુશ્કેલ બની ગઈ હતી. યોગેશ્વર સોસાયટીમાં આ મુદ્દે સોસાયટીના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેથી પોલીસ દોડી ગઈ હતી. પરિસ્થિતિ તંગ બનતા સોસાયટીના લોકોએ સાથે મળીને નડતરરૂપ દીવાલ તોડી રસ્તો ખુલ્લો કર્યો હતો.
- Advertisement -
બીજી તરફ પ્લોટ ધારક ઝાહિરભાઈ લોખંડવાલાએ પોતાના પ્લોટની માલિકીના પુરાવા રજૂ કરતાં, સોસાયટીના લોકોએ ગેરકાયદે તેમની મિલ્કતમાં પ્રવેશ કરી દીવાલ તોડી નાંખી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઘટના ફરી એકવાર મોરબી મહાનગરપાલિકાની પાયાની સેવાઓ પૂરી પાડવામાંની બેદરકારીને ખુલ્લેઆમ ઉજાગર કરે છે.