પાંચ વર્ષથી રોડ મંજૂર છતાં કામ શરૂ ન થતાં સ્થાનિકોમાં રોષ, જનસ્વરાજ ગ્રુપ દ્વારા વિરોધ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
સુરેન્દ્રનગર શહેરમાં, ખાસ કરીને નવા જંક્શન પાછળના વોર્ડ નંબર 1, ડી કેબિન સામેના વિસ્તારમાં, રસ્તાઓ ન બનવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં પડેલા વરસાદને કારણે કાચા રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેને લીધે પાણી ભરાઈ રહે છે અને કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે, જેનાથી અવરજવર મુશ્કેલ બની ગઈ છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તાર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતો હોવા છતાં, છેલ્લા પાંચ વર્ષથી અહીં રસ્તો મંજૂર થઈ ગયો હોવા છતાં તેનું નિર્માણ કરવામાં આવ્યું નથી. આ અંગે જનસ્વરાજ ગ્રુપના કૃણાલ શાહે એક વીડિયો વાયરલ કર્યો છે, જેમાં સ્થાનિકોએ પોતાની વેદના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, “ચૂંટણી સમયે આગેવાનો મત માટે દેખાય છે, પણ પછી દેખાતા નથી.”
- Advertisement -
વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ માટે રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા, સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ સરકાર અને ચૂંટાયેલા આગેવાનો “શહેરી વિકાસ વર્ષ”ની ઉજવણીઓ પાછળ નાણાં વેડફી રહ્યા છે, ત્યારે બીજી તરફ જનતા પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. લોકોની માંગ છે કે, આ ઉજવણીઓ પાછળ ખર્ચ કરવાને બદલે તે નાણાંનો ઉપયોગ જનતાને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે કરવામાં આવે.
સ્થાનિકોએ વહેલી તકે રસ્તાનું કામ શરૂ કરવાની અને લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાની માગ કરી છે.