ઉનાળો શરૂ થતા જ જિલ્લાભરમાં પાણીનો પોકાર પણ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
રાજ્યમાં ઉનાળાની સિઝન શરૂ થતા જ પાણીની તાતી જરૂરિયાત ઉભી થઈ છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં તો પાણીના પ્રશ્ને છેલ્લા બે દિવસથી જુદા જુદા વિસ્તારના રહીશો આંદોલન કરતા નજરે પડે છે. જેમાં સોમવારે દુધરેજ ગામના રહીશો દ્વારા ગટરનું ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદને લઈને ધ્રાંગધ્રા હાઇવે બ્લોક કર્યો હતો તો ફરીથી ગઈ કાલે મંગળવારે સમલા ગામના રહીશો દ્વારા પાણીના પ્રશ્ને વઢવાણ -લીંબડી નેશનલ હાઇવે પર મહિલાઓ પાણીના વદન લઈને રોડ પર બેસી ગયા હતા મહિલાઓ દ્વારા પૂરતું પાણી નહીં મળતું હોવાના આક્ષેપ સાથે હાઈવે પર બેસી આવતા જતા વાહનોને રોક્યા હતા જેના લીધે આશરે એકાદ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી આ ઘટનાને લઈને લીમડી ડી.વાય.એસ.પી સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો ત્યારે સમલા ગામના રહીશો છેલ્લા કેટલાય સમયથી પાણીના પ્રશ્ને રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ ધ્યાન નહીં દેતા આંદોલન કરવાની ફરજ પડી હોવાનું જણાવી આગામી સમયમાં પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરી આપવા માંગ ઉઠાવી છે.
- Advertisement -