આઝાદીના 75 વર્ષ બાદ પણ રહીશો રોડ, પાણી અને સ્ટ્રીટ લાઈટની સુવિધાથી વંચિત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરના વોર્ડ નંબર 3માં આવતા કંટાવા વિસ્તારમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાથી વંચિત નજરે પડે છે. ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 3ની હદમાં આવતા કંટાવા વિસ્તારમાં આશરે 300થી પણ વધુ શ્રમિક પરિવારો વસવાટ કરે છે આ પરિવારો વર્ષોથી અહીં વસવાટ કરતા હોવા છતાં પણ આજેય વોર્ડ નંબર 3ના કંટાવા વિસ્તારમાં રહેતા રહીશોને રોડ, પાણી કે સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધા મળી શકી નથી જોકે આ વિસ્તાર શ્રમ વિસ્તાર તરીકે જાણીતો છે સાથે કંટાવા વિસ્તાર નગરપાલિકાની હદમાં આવે છે પરંતુ સરકારી ચોપડે અહીંના રહીશોની જમીન સૂચિત ગણવામાં આવે છે એટલે કે દરેક રહેણાક મકાનોને નથી તો સિટી સર્વેમાં સ્થાન કે નથી નગરપાલિકાના ચોપડે કોઈ ઉલ્લેખ. અહીં રહેતા 300થી વધુ પરિવારનો ઉપયોગ માત્ર મતદાન માટે જ થાય છે. આ અંગે કંટાવા વિસ્તારના સ્થાનિકો જણાવે છે કે પાંચ વર્ષમાં આવતી સ્થાનિક સ્વરાજ, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સમયે નેતાઓ મત માંગવા માટે આવે છે અને વર્ષોથી કંટાવા વિસ્તારના સ્થાનિકોને પ્રાથમિક સુવિધા આપવાના વાયદા તથા વચનો આપી જતા રહે છે પરંતુ આજદિન સુધી રોડ, પાણી કે સ્ટ્રીટ લાઈટ સહિત પ્રાથમિક સુવિધા મળી શકી નથી. આશરે સાતેક વર્ષ પૂર્વે આ વિસ્તારમાં પાણીના બોર માટે ઓરડી બનાવી છે પરંતુ પાણીનો બોર હજુ સુધી બનાવાયો નથી જેના લીધે સ્થાનિકોને આજુબાજુના ખેતર અને વાડી વિસ્તારમાં આશરે ચારેક કિલોમીટર દૂર પીવાનું પાણી ભરવા માટે જવું પડે છે. ત્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી દેશભરમાં ચાલી રહી છે પરંતુ આજેય ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 3ની હદમાં આવતા કંટાવા વિસ્તારના સ્થાનિકો પ્રાથમિક સુવિધા ઝંખે છે.



