સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની રજૂઆત બાદ કામગીરી વેગવંતી, એકાદ મહિનામાં બ્રિજ ખુલ્લો થવાની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
વાંકાનેરના પંચાસર રાતીદેવરી બાયપાસ રોડ પર આવેલ મચ્છુ નદી પરના મેજર બ્રિજનો અમુક ભાગ ક્ષતિગ્રસ્ત થવાના કારણે એકાદ વર્ષથી તમામ વાહન વ્યવહાર બંધ છે, જેના લીધે શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. બ્રિજ બંધ હોવાથી ભારે વાહનો સહિતનો તમામ ટ્રાફિક શહેરની અંદરથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે એમ્બ્યુલન્સ, વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે સમયસર પહોંચવું મુશ્કેલ બન્યું છે. આ સમસ્યાના નિવારણ માટે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓને બ્રિજની કામગીરી ફરી શરૂ કરવા તાકીદ કરી હતી.
- Advertisement -
અગાઉ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ વરસાદ અને વાવાઝોડાના કારણે સેન્ટિંગનો માંચડો પડી ગયો હતો, જેના કારણે કામગીરી અટકી ગઈ હતી. હવે વરસાદે વિરામ લીધો હોવાથી સાંસદે ફરી રજૂઆત કરીને કામ શરૂ કરાવ્યું છે. હાલ નદીમાં પાણી ભરાયેલું હોવા છતાં પણ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જો કોઈ વિઘ્ન ન આવે તો એકાદ મહિનામાં બ્રિજની કામગીરી પૂર્ણ થવાની સંભાવના છે. આ બ્રિજ શરૂ થતાં જ વાંકાનેરની પ્રજાને લાંબા સમયથી સતાવી રહેલી ટ્રાફિક સમસ્યામાંથી ઘણી રાહત મળશે.