હાઈ કમાન્ડે પૂર્વ પ્રદેશ પ્રમુખોને ફોન કરી લોકસભાની ચૂટણી લડવા માટે સૂચના, રાજકોટમાં નિષ્ક્રિય કાર્યકરો સક્રિય થયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
રાજકોટ લોકસભા બેઠક ઉપર છેલ્લી ઘડી સુધી કોંગ્રેસના ઉમેદવારનું કોકડું ગુંચવાયેલું હતું કારણ કે, ભાજપે પરસોતમ રૂપાલાને મેદાને ઉતારતા તેની સામે જીત જીલી શકે તેવા નેતૃત્વની ઉણપ દેખાઈ રહી હતી ત્યારે આજે કોંગ્રેસ હાઈ કમાન્ડે પાર્ટીઓના પૂર્વ પ્રદેશ પ્રમુખોને ફોન કરીને લોકસભાની ચૂંટણી લડવાની હોવાનું જણાવ્યું હતું.
- Advertisement -
જેમાં રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણીને ઉમેદવારી નોંધાવવા માટે જણાવ્યું છે. જો પરેશ ધાનાણી રાજકોટથી ચુંટણી લડશે તો રાજકોટને ઈતિહાસમાં પ્રથમ એવી ઘટના હશે કે બન્ને લોકસભાના બન્ને ઉમેદવારો અમરેલીના હશે અને કડવા અને લેવા પાટીદારના મતોનું વિભાજન કરવા માટે આ દાવ ગોઠવવામાં આવ્યો હોય તેવી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે.
ભાજપે રાજકોટ લોકસભાની બેઠક પરથી પરસોતમ રૂપાલાનું નામ જાહેર કર્યા બાદ કોંગ્રેસ યોગ્ય મુરતિયાને શોધી રહી હતી પરંતુ શહેર કોંગ્રેસના અનેક નેતાઓએ હાઈકમાન્ડને ચુંટણી નહીં લડવા માટે જણાવ્યું હતું. ત્યાર બાદ કોંગ્રેસમાં ડોક્ટર હેમાંગ વસાવડા સહિતના અનેકના નામોએ જોર પકડ્યું હતું જો કે, વિક્રમ સોરાણીનું નામ સામે આવતા કોંગ્રેસની અંદર ભડકો થયો હતો અને વિક્રમ સોરાણી વિરુદ્ધ હાઈકમાન્ડ સુધી ફોન ઘુમાવ્યા હતાં. ત્યાર બાદ રાજકોટ બેઠક પરથી કોને ટીકીટ આપવી તે પ્રશ્ર્ન ઉભો થયો હતો.
આ બધા વચ્ચે મોડીસાંજે કોંગ્રેસની હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ પ્રમુખ પદે રહી ચુકેલા નેતાઓને ફોન કરીને કોઈપણ ભોગે લોકસભાની ચુંટણી લડવાની છે તેવો મેસેજ આપતા નેતાઓ સક્રિય થઈ ગયા હતાં. જેમાં રાજકોટ લોકસભાની બેઠકપરથી પરેશ ધાનાણીને ચુંટણી લડવા માટે ફોન કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તે ઉમેદવારી નોંધાવશે. આ જાહેરાત થતાની સાથે જ રાજકોટમાં નિષ્ક્રીય થયેલા કોંગ્રેસના કાર્યકરો સક્રિય થઈ ગયા છે. તેમાં ધાનાણીને જીતાડવા માટે અંદરખાને પ્રચાર શરૂ કરાયો છે.
- Advertisement -
કડવા અને લેઉવા પાટીદાર સમાજના મતોનું થશે વિભાજન
ભાજપનો ગઢ ગણાતા રાજકોટ પરથી ભાજપે પરસોતમ રૂપાલાને ટીકીટ આપી છે. પરસોતમ રૂપાલા મુળ અમરેલીના ઈશ્ર્વરિયાના કડવા પાટીદાર છે જ્યારે આજે કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણીને મેદાને ઉતારવામાં આવ્યા છે. જે પણ અમરેલીના અને લેઉવા પાટીદાર સમાજમાંથી આવી રહ્યા છે. આમ જોવા જઈએ તો કડવા અને લેઉવા પાટીદાર સમાજના મતોનું વિભાજન કરવા માટે કોંગ્રેસે દાવ ખેલ્યો હોય તેવું સ્પષ્ટ મનાઈ રહ્યું છે. રાજકોટ શહેરમાં કડવા પાટીદારના અંદાજે 50 હજારથી પણ વધુ મતદારો છે જ્યારે લેઉવા પાટીદાર સમાજના મતદારો પણ આટલી જ સંખ્યામાં હોય ગ્રામ્ય વિસ્તારમાં પણ પાટીદાર મતદારોની સંખ્યા વધારે છે. ત્યારે કડવા અને લેઉવા પાટીદારોના મતોનું વિભાજન થવું નિશ્ર્ચિત છે.
ધાનાણીને હલકામાં લેવાની ભૂલ ભાજપ નહીં કરે…
તમને ખબર ના હોય તો વર્ષ 2002માં પરેશ ધાનાણીએ વિધાનસભાની ચૂંટણીમાં અમરેલીની બેઠક પરથી રુપાલાને 16 હજાર મતોથી હરાવ્યા હતાં. હવે આ બેઠક પર બે પાટીદાર ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જામશે. રાજકોટ બેઠક પર ચાર લાખ લેઉવા પટેલ અને એક લાખ કડવા પટેલ મતદારો છે. આ જોતાં કોંગ્રેસ પરેશ ધાનાણી પર પસંદગીનો કળશ ઢોળાયો છે. પરેશ ધાનાણીએ લેઉવા પાટીદાર છે. રાજકોટ એ ભાજપનો ગઢ હોવાથી કોંગ્રેસને અહીં રૂપાલા ભારે પડી શકે છે પણ પરેશ ધાનાણીને હલકામાં લેવાની ભૂલ ભાજપ નહીં કરે… ભાજપને હેટ્રીક મારતો રોકવા માટે કોંગ્રેસ પણ મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી છે. ભાજપે પોતાના બે કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયાને પોરબંદર અને પરસોત્તમ રૂપાલાને રાજકોટથી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જેમાં પોરબંદરમાં કોંગ્રેસે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને ટિકીટ આપી છે. હવે રાજકોટ બેઠક ઉપર કોંગ્રેસ લેઉવા પાટીદારને ટિકીટ આપી શકે છે. જે બેઠક પર હવે સૌ કોઈની નજર છે.



