પોલીસે વધુ રિમાન્ડ ન માંગતા કોર્ટે જેલ હવાલે કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝૂલતા પુલ દૂર્ઘટના કેસમાં ભાગેડુ જયસુખ પટેલ કોર્ટ સમક્ષ હાજર થયા બાદ પોલીસે કબજો મેળવી રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ આજે પૂર્ણ થતા આરોપી જયસુખ પટેલને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યો છે. ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને પોલીસે કોર્ટમાં રજુ કરી તા. 08 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપી જયસુખ પટેલની વિવિધ મુદ્દે પૂછપરછ કરી તપાસ ચલાવી હતી અને આજે રિમાન્ડ પૂર્ણ થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવી ના હોવાથી કોર્ટે આરોપી જયસુખ પટેલને હાલ જેલહવાલે કર્યો છે.
- Advertisement -
જયસુખ પટેલ કોઈને મોઢું બતાવવા જેવો રહ્યો નથી!
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો મુખ્ય આરોપી જયસુખ પટેલ જ્યારથી કોર્ટ સમક્ષ હાજર થયો છે ત્યારથી તે માસ્ક વડે મોંઢું સંતાડી ફરે છે. ખુદને નિર્દોષ સાબિત કરવા મથતા રહેતા જયસુખ પટેલમાં જાહેરમાં મોઢું બતાવવાની હિંમત પણ બચી નથી. જયસુખ પટેલ ખુદ પણ સમજે છે કે ઝૂલતા પુલ દુર્ઘટના બાદ 3-3 મહિના સુધી નિષ્ઠુર બની નાસી જવું અને બાદમાં કોર્ટ સમક્ષ હાજર થઈ નકટા બનીને સોશિયલ મીડિયામાં ચમચાઓનું સમર્થન બતાવી તંત્ર પર દબાણ ઉભું કરવું નાકામ નીવડ્યું છે. હવે બાકી બચેલી જિંદગી પણ જેલમાં જ જશે પણ હાલ તો મોં છૂપાવવું જ ફાયદામાં છે એવું જયસુખ પટેલ સમજતો હશે.
કોન્ટ્રાકટર પિતા-પુત્રની જામીન અરજીમાં કાલે સુનાવણી
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં અગાઉ ઝડપાયેલા નવ આરોપી પૈકી સાતની જામીન અરજી નામંજૂર કરવામાં આવ્યા બાદ કોન્ટ્રાકટર પિતા-પુત્રએ મોરબી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેની ગઈકાલે મુદ્દત હતી. જેમાં કોર્ટે દલીલો સાંભળી છે અને તા. 09 ફેબ્રુઆરીને રોજ કોર્ટ પક્ષકારોને સાંભળશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં ગુનો નોંધી પોલીસે ઓરેવા ગ્રુપના મેનેજર સહિતના નવ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી ઓરેવા ગ્રુપના મેનેજર, ક્લાર્ક સહિતના સાત આરોપીઓએ કરેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી. જ્યારે અન્ય બે આરોપી કોન્ટ્રાકટર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમારે કોર્ટમાં કરેલી જામીન અરજીમાં દલીલો કરવામાં આવી હતી. તા. 09ની મુદ્દત પડી છે. ત્યારે હવે આવતીકાલે તા.09ના રોજ બંને આરોપીઓનો પક્ષ કોર્ટ સાંભળશે.
- Advertisement -