ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
ભેસાણ તાલુકાનાં ચણાકા ગામે આવેલ વઘાસિયા પરિવારનાં સુરાપુરા કેશુદાદાનાં સાંનીધ્યે માતા વેરાઇ, માતા બ્રહ્માણી, અને માતા ખોડીયારનાં નિજ મંદિરની સમીપ દિવ્યજ્યોત સમક્ષ ચૈત્રી નવરાત્રીનાં ઉપવાસનાં પારણા 51 કુંડી યજ્ઞ દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાન એવં સમુહપ્રસાદથી પારણા છોડાવી વઘાસિયા પરિવરાનાં છોરૂઓએ પોતાની આસ્થા ટેકવી હતી.
આ પ્રસંગે નવા પિપળીયાનાં લાલજીભાઇએ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન પોતાની કારોબારી સમિતીનાં સાથીઓ દ્વારા કર્યુ હતુ. અહીં આવેલ વેરાઇમાતાનાં નિજ મંદીરની સાક્ષીએ નાત-જાતનાં ભેદ વિના અનેક યુગલો પોતાનાં દાંપત્ય જીવનની શરૂઆત કરી હોવાની વાત સાથે લાલજીભાઇએ જણાવ્યુ હતુ કે વઘાસિયા પરિવારે આજે નવરાત્રી સંપન્ન થતાં પોતાનાં ઉપવાસનાં પારણા માતાજીનાં યજ્ઞ કરી સમુહ પ્રસાદથી કર્યા એ સામાજીક એક્યનું પ્રતીક છે. સાથે મળવુ, સાથે પ્રસંગો ઉજવવા અને સાથે બેસી પરિવારીક ભાવથી અકેબીજાનાં સુખદુખનાં સાથી બનવુ એ જ માં વેરાઇની આરાધના છે. આ પ્રસંગને અશ્વિનભાઇ વઘાસિયાએ જણાવ્યુ હતુ કે ચણાકા એટલે વઘાસિયા પરિવરાની આસ્થાનું ગામ આશ્રમ પોતાની સાંસ્કૃતિક અસ્મીતાને ઉજાગર કરી રહ્યો છે.



