વાયબ્રન્ટ સમિટ પૂર્વે રાજકોટના તમામ મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરી ટ્રાફિક સમસ્યાનું કાયમી સમાધાન કરવા માંગ
ટ્રાફિક પોલીસ અને મનપા તંત્ર નિષ્ફળ: લાખો રૂપિયાનો રોડ ટેક્સ ભરતી જનતા ટ્રાફિકની યાતના સહન કરવા મજબૂર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આગામી મહિને તા. 10થી 12 જાન્યુઆરી, 2026 દરમિયાન મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભવત: હાજરી આપવાના છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનોએ માંગ કરી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમગ્ર રાજકોટ શહેરમાં ફેરવી તમામ મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરાવવામાં આવે. જેમ ગ્રીનલેન્ડ ચોકડીથી મારવાડી યુનિવર્સિટી સુધી ટ્રાફિક વ્યવસ્થા સુધરશે, તેમ શહેરના અન્ય વિસ્તારોમાં રહેતા નાગરિકોને પણ જાહેર માર્ગોના દબાણો અને રોજીંદા ટ્રાફિકના ત્રાસમાંથી કાયમી રાહત મળે.
વડાપ્રધાનના સંભવિત રોડ-શો અને આગમનની તૈયારીના ભાગરૂપે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીથી મારવાડી યુનિવર્સિટી સુધીના માર્ગ પર રોડ-રસ્તાના નવીનીકરણ, ડિવાઇડર અને ફૂટપાથ રિપેરીંગ, કલર કામ તેમજ લારી-ગલ્લા સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, સાધુ વાસવાણી રોડ, લાખાજીરાજ રોડ, સિવિલ હોસ્પિટલ ચોક, ઢેબર રોડ, લીંબડા ચોક, જુબેલી ચોક સહિતના તમામ મુખ્ય માર્ગો પર સત્તાધારી ભાજપના કેટલાક આગેવાનોની મૌખિક મંજૂરી, ટ્રાફિક પોલીસની બેદરકારી તથા હપ્તાખોરીના કારણે છકડા ચાલકો, ઓટોરિક્ષા ચાલકો અને ખાનગી ટ્રાવેલ્સ દ્વારા બેફામ રીતે દબાણો કરવામાં આવ્યા છે. પરિણામે શહેરમાં રોજબરોજ ગંભીર ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા ઊભી થાય છે.
આ મુદ્દે અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં રાજકોટ ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકા તંત્ર નિષ્ફળ અને જડ બની ગયાં છે.
જેના કારણે લાખો રૂપિયા રોડ ટેક્સ ભરતા રાજકોટવાસીઓ રોજ સવાર, બપોર અને સાંજે ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલર સાથે ટ્રાફિકની યાતના સહન કરવા મજબૂર બન્યા છે.
સરકાર દ્વારા પદયાત્રીઓ માટે રોડની બન્ને બાજુ ફૂટપાથની વ્યવસ્થા નિશ્ચિત કરાઈ છે, પરંતુ રાજકોટના મોટાભાગના મુખ્ય રસ્તાઓ પર ફૂટપાથ પર લારી-ગલ્લા, ચા-પાનના થડા અને કેબીનો દ્વારા ગેરકાયદેસર દબાણો કરાયા છે. જેના કારણે નાગરિકો ફરજિયાત રોડ પર ચાલવા મજબૂર બને છે.
પરિણામે દારૂ અને ડ્રગ્સના નશામાં બેફામ વાહન ચલાવતા નબીરાઓ દ્વારા રાહદારીઓને અડફેટે લેવાના હિટ-એન્ડ-રણના કિસ્સાઓ રોજબરોજ સામે આવી રહ્યા છે, જેમાં અનેક વખત નિર્દોષ લોકોના જીવ પણ જાય છે.



