રાજકોટની ગુંદાવાડી, કોઠારિયા નાકા, સોની બજાર, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, દાણાપીઠ, લાખાજીરાજ રોડ, યાજ્ઞિક રોડ પરની બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી
કપડાં, પગરખાં, મિઠાઈ, ફરસાણ, મુખવાસ, શરબત, ફટાકડાંની ખરીદી કરવા લોકોની ભીડથી બજારમાં રોનક
- Advertisement -
દિવાળી-નૂતનવર્ષ નજીક આવતા રાજકોટની વિવિધ બજારોમાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે. મંદી-મોંઘવારીનાં મારથી નવરાત્રી પહેલા ખાલીખમ જોવા મળતી બજારોમાં દિવાળી આવતા ખરીદી કરવા માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને વેપારીઓ માટે કહી શકાય કે કોરોનાની મહામારીની આફત પછીની આ રાહતવાળી દિવાળી આવી છે. શોપિંગ મોલ્સ પણ અવનવી ઓફર્સ આપી અને સેલનું આયોજન કરી ગ્રાહકોને આકર્ષી રહ્યાં છે.
સામાન્ય દિવસો કરતા હાલનાં દિવસોમાં રાજકોટની ગુંદાવાડી, કોઠારિયા નાકા, સોની બજાર, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, દાણાપીઠ, લાખાજીરાજ રોડ, યાજ્ઞિક રોડ સહિતની બજારોમાં રોનક વધુ જોવા મળી રહી છે. લોકો કપડાં, પગરખાં, મિઠાઈ, ફરસાણ, મુખવાસ, શરબત, ફટાકડાં સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદતા નજરે જોવા મળે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની બજારમાં દિવાળીનો ધમધમાટ ધીમેધીમે સર્જાવા લાગ્યો છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી શહેરની વિવિધ બજારોમાં ચમક આવી છે. શહેરની વિવિધ બજારોમાં ખરીદી કરવા માટે ગ્રાહકોની ગર્દી થતા વેપારી વર્ગમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. આથી કહી શકાય કે.. દરેક ચીજવસ્તુ અને સેવાનાં ભાવવધારા વચ્ચે.. માજા મૂકેલી મંદી-મોંઘવારીમાં પણ મજા કરે એનું નામ રાજકોટીયન.