અનંત અંબાણીએ જણાવ્યું કે આ યોગદાન રાજ્યના લોકો માટે સાતત્યપૂર્ણ વિકાસના પ્રયાસોનો એક ભાગ છે
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તરાખંડમાં આ વર્ષે પૂરથી અસરગ્રસ્ત લોકોના જીવન પુન:નિર્માણમાં મદદ કરવા અને રાજ્યના સાતત્યપૂર્ણ સામાજિક વિકાસના પ્રયાસોને ચાલુ રાખવા માટે રિલાયન્સે શ્રી અનંત અંબાણીના માધ્યમથી ગુરુવારે રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. 25 કરોડનું યોગદાન આપ્યું હતું.
“અમે ઉત્તરાખંડના લોકો સાથે છેલ્લા એક દાયકામાં સુખ-દુ:ખની ઘડીનો એક ગાઢ સંબંધ ધરાવીએ છીએ. રાજ્ય અને તેના લોકોની કટોકટીનો સામનો કરવાની અસાધારણ ક્ષમતા રિલાયન્સમાં અમારા બધા માટે પ્રેરણાદાયી રહી છે.
આ સંબંધોનો એક દાયકો પૂરો થયાના ઉપલક્ષમાં આ સંબંધને વધુ મજબૂત બનાવતાં અમે રાજ્યની સુખાકારીમાં આ એક અર્થપૂર્ણ યોગદાન આપી રહ્યા છીએ,” તેમ શ્રી અનંત અંબાણીએ ઉત્તરાખંડમાં વિકાસની પહેલો પ્રત્યેની તાજેતરની પ્રતિબદ્ધતા અંગે જણાવ્યું હતું.
આ વર્ષે જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે પૂર અને ભૂસ્ખલનને કારણે વ્યાપક પ્રમાણમાં જાન-માલનું નુકસાન થયું હતું. વર્ષ 2013માં વિનાશક પૂર આવ્યું ત્યારબાદથી રિલાયન્સ મુશ્કેલીના સમયમાં ઉત્તરાખંડ સાથે ઊભું રહ્યું હતું.
દૂર-સુદૂરના વિસ્તારોમાં પહોંચનારી પ્રથમ સંસ્થાઓમાં શામેલ રિલાયન્સ ફાઉન્ડેશને ફસાયેલા લોકોને બચાવ્યા, રાહત અને આશ્રય પૂરો પાડ્યો અને જીવનના પુન:નિર્માણના પ્રયાસો શરૂ કરાવ્યા હતા. તેણે સંસ્થાઓનું પુન:નિર્માણ કર્યું, જેમાં 30 ગામોના બાળકોને શિક્ષણ બે શાળાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સમુદાયોને વધુ સવલતો પૂરી પાડવા માટે તાલીમો આપી હતી.
રિલાયન્સે 2021માં આવેલા પૂર બાદ અને કોવિડ-19 મહામારી દરમિયાન પણ રાજ્યના લોકોને સેવાઓ પૂરી પાડી હતી.