-3101 કરોડમાં ડિજિટલ તથા 2862 કરોડમાં ટીવી પ્રસારણ અધિકાર મેળવીને સ્ટાર-સોનીને પછડાટ આપી
ભારતીય ક્રિકેટ પ્રસારણ ક્ષેત્ર વાયાકોમ 18એ પોતાનો દબદબો જાળવી રાખતા ગુરૂવારે ભારતીય ટીમની ઘરઆંગણે રમાનાર તમામ આંતરરાષ્ટ્રીય શ્રેણી માટેના મીડિયા રાઇટસને આશરે રૂા. 6,000 કરોડમાં ખરીદવામાં સફળતા મેળવી હતી. રિલાયન્સના અંબાણી જુથની માલીકી ધરાવતા વાયાકોમ 18એ આગામી પાંચ વર્ષ માટે ભારતની ઘરઆંગણેની મેચોના ટીવી તેમજ ડિજિટલ રાઇટસની હરાજીમાં સ્ટાર અને સોનીને પછાડીને સફળતા મેળવી છે.
- Advertisement -
ભારતની મેચોના બ્રોડકાસ્ટ રાઇટસ માટે ત્રિપાંખીયો જંગ હતો. જેમાં વાયાકોમ 18એ બાજી મારી લીધી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ વધુ સારૂ પરિણામ મેળવવાના હેતુથી ટીવી અને ડિજિટલ બંનેના પ્રસારણ હકોનું અલગ-અલગ ઇ-ઓકશન કરવાનો નિર્ણય કર્યો હતો. વાયાકોમ 18એ ડિજિટલ રાઇટસ આશરે 3,101 કરોડમાં જયારે ટીવીના હકકો રૂા.2862 કરોડમાં મેળવતા બોર્ડને કુલ રૂા.5,963 કરોડની આવક થશે. ઉલ્લેખનીય છે કે,
અગાઉ આઇપીએલના ડિજિટલ હકકો પણ વાયાકોમ 18એ 26,000 કરોડથી વધુમાં ખરીદી લીધા હતા જેને પગલે ક્રિકેટમાં મહત્વની ઇવેન્ટસના (આઇપીએલ ટીવી અને આઇસીસીને બાકાત કરતા) બ્રોડકાસ્ટમાં વાયાકોમ 18નો એકહથ્થુ દબદબો જોવા મળશે તેમ બોર્ડના એક સુત્રએ જણાવ્યું હતું. વાયાકોમના બ્રોડકાસ્ટ રાઇટસનો પ્રારંભ ભારતની ચાલુ વર્ષે 22 સપ્ટેમ્બરે ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણે રમાનાર ત્રણ મેચની શ્રેણીની થશે. 31 માર્ચ 2028ના સમયગાળા સુધી આ અધિકારો વાયાકોમ 18 પાસે રહેશે.
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે એકસ પર જણાવ્યું કે, વાયાકોમ 18ને આગામી પાંચ વર્ષ સુધી બીસીસીઆઇના ટીવી અને ડિજિટલ રાઇટસ ખરીદવા માટે અભિનંદ. ભારતીય ક્રિકેટનો બંને પ્લેટફોર્મ પર વિકાસ યથાવત રહેશે કારણ કે આઇપીએલ અને ડબલ્યુપીએલના રાઇટસ બાદ અમે બીસીસીઆઇ મીડિયા રાઇટસ માટે પણ જોડાણ કર્યુ છે. આગામી પાંચ વર્ષમાં ભારતીય ટીમ ત્રણેય ફોરમેટમાં મળીને 88 આંતરરાષ્ટ્રીય મેચ રમશે જેમાં 25 ટેસ્ટ, 27 વન-ડે અને 36 ટી-20નો સમાવેશ થાય છે.
- Advertisement -
આમ મીડિયા રાઇટસની કુલ રમતને ધ્યાનમાં લેતા બોર્ડને મેચ દીઠ રૂા. 67.76 કરોડની કમાણી થશે જે અગાઉની સાઇકલમાં મેચ દીઠ આવકની તુલનાએ 7.76 કરોડ રૂપિયા વધુ રહેશે. ગત સાઇકલમાં બોર્ડમાં મેચદીઠ રૂા.60 કરોડની આવક થઇ હતી. એકંદરે આગામી પાંચ વર્ષમાં બોર્ડને ગત વર્ષની તુલનાએ રૂા.175 કરોડની ઓછી આવક થશે. જોકે ગત સાઇકલમાં ભારતની 102 મેચો રમાઇ હતી અને બોર્ડને કુલ 6,138 કરોડની આવક થઇ હતી.
પ્રવર્તમાન બજાર પરીબળોને ધ્યાનમાં લેતા બોર્ડને 2028 સુધી થનાર કમાણીનો આંક પણ ઓછો નથી. આ ગાળામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણી પણ યોજાશે. અને તેના થકી નોંધપાત્ર જાહેરખબરની આવક મળવાની શકયતા છે. જો કે ટી-20 મુકાબલા બ્રોડકાસ્ટર્સ માટે દુઝણી ગાય સાબિત થશે કારણ કે ટી-20 મેચ સૌથી વધુ દર્શકો નિહાળતા હોય છે અને તેમાં એડવર્ટાઇઝીંગના દર પણ ખુબ ઉંચા હોય છે. ભારત 2028 સુધીમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણેય ફોરમેટમાં મળીને 21 મેચ રમશે જયારે ઇંગ્લેન્ડ સામે 18 મેચ રમશે.