આ ભાગીદારી દ્વારા ભાવિ પેઢીમાં કૌશલ્યો વિકસાવવા અત્યાધુનિક કોર્સ તૈયાર કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
રિલાયન્સ ફાઉન્ડેશન અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ગજઉઈ) 500,000 ભારતીય યુવાઓમાં ફ્યુચર-રેડી કૌશલ્યો વિકસાવનારા કોર્સની રચના કરવા વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ ભાગીદારી થકી એડટેક, સાયબર સિક્યુરિટી, આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ, પર્યાવરણની જાળવણી, પોલિસી એનાલિસિસ તથા બીજા ઘણા સહિતના ક્ષેત્રોમાં યુવાઓ માટે ક્ષમતા સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરતાં અભ્યાસક્રમો તૈયાર કરાશે. રિલાયન્સ ફાઉન્ડેશનના ડિજિટલ-ફોરવર્ડ અભિગમની મદદથી, આ ભાગીદારી દ્વારા કારકિર્દીના ભવિષ્યલક્ષી વિચારધારાની જરૂરિયાત ધરાવનારા નવા આયામોમાં રસ ધરાવનારા યુવા વર્ગમાં ખાસ્સી લોકપ્રિયતાનું સર્જન કરાય તેવી અપેક્ષા છે. આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ તથા ઉદ્યોગ સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે ભારત હવે કૌશલ્ય, કૌશલ્યવર્ધન અને કૌશલ્ય ઉત્થાનના મંત્રને વળગી ચૂક્યું હોવાથી કોઈના રોકાયે રોકાય તેમ નથી. સ્કીલિંગ ઈકોસિસ્ટમમાં વિવિધ ડિજિટલ પહેલો હાથ ધરાઈ છે જેના થકી કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે અને કોઈના પણ માટે કૌશલ્યને સુનિશ્ર્ચિત કરી શકાયું છે. ભારત હવે ટેકનોલોજી, વ્યાપ અને સાતત્યતાના લાભો ઉઠાવીને વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ધસમસતું આગળ વધી રહ્યું છે ત્યારે ભારતની વર્કફોર્સ ઘરેલુ માંગોને તો પરિપૂર્ણ કરી જ શકશે પરંતુ સાથે વૈશ્ર્વિક માંગોને પણ પહોંચી વળવાની સાથે નવા સીમાચિન્હો સર કરશે.
આ વ્યૂહાત્મક ભાગીદારીની મહત્ત્વતા પર ભાર મૂકતાં રિલાયન્સ ફાઉન્ડેશનના સીઈઓ જગન્નાથ કુમારે જણાવ્યું હતું કે આખા વિશ્ર્વમાં ભારત પાસે સૌથી વિશાળ સંખ્યામાં યુવા બળ છે અને તેઓને ભવિષ્ય માટે તૈયાર કરનારા કૌશલ્યોથી સુસજ્જ બનાવવામાં આનાથી મદદ મળશે.
ઉચ્ચ ગુણવત્તાશીલ અભ્યાસક્રમનું ઘડતર અને તેનો વિકાસ, વિદ્યાર્થી સેવાની સ્થાપના, તાલિમાર્થીઓને તાલિમ, સહાયરૂપ સહકાર, એ.આઈ.ની મદદ ધરાવતું ઓનલાઈન એસેસમેન્ટ, સર્ટિફિકેશન અને ઉદ્યોગ સાથે સંકલિત પ્લેસમેન્ટ એ આ ભાગીદારીનું અભિન્ન અંગ છે. સમાજના કોરાણે ધકેલાયેલા વર્ગો તેમજ યુવાનો માટે આજીવિકાને ઉન્નત કરનારી વિપુલ તકોના સર્જન અને તેના વિસ્તાર માટે કાર્યરત છે. એનએસડીસી સાથેની આ ભાગીદારી તે દિશામાંનું વધુ એક કદમ છે.