બિલીયોનેર મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે શુક્રવારે જાહેરાત કરી છે કે તેના બોર્ડે સબસીડરી કંપ્ની રીલાયન્સ રિટેલની ઈકવીટી શેર કેપીટલ ઘટાડવાની દરખાસ્તને મંજુરી આપી છે. પ્રમોટર અને હોલ્ડીંગ કંપ્ની સિવાયનાં શેરધારકોનાં શેર રદ કરીને ઈકવીટી શેર કેપીટલ ઘટાડાશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડે રેગ્યુલેટરી ફાઈલીંગમાં કહ્યું હતું કે કંપ્નીના બોર્ડની 4 જુલાઈ 2023 ના રોજ મીટીંગ મળી હતી.
જેમાં સબસીડરી રિલાયન્સ રિટેલનાં પ્રમોટરો અને હોલ્ડીંગ કંપ્ની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લીમીટેડ સિવાયના શેરધારકો પેટે જે શેર છે તેટલી ઈકવીટી શેર કેપીટલ ઘટાડવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. આવા શેરધારકો પાસે શેરો હશે તે કેન્સલ કરી દેવાશે અને તેમને શેરદીઠ રૂા.1362 ના ભાવે રકમ ચુકવી દેવામાં આવશે.રિલાયન્સે કહ્યુ હતું કે બે પ્રતિષ્ઠિત સ્વતંત્ર રજીસ્ટર્ડ વેલ્યુઅર્સ પાસેથી વેલ્યુએશન નકકી કરાવ્યા બાદ આ કિંમત ચુકવવાનું નકકી કરાયું છે.
- Advertisement -
રિલાયન્સ રીટેલ લીમીટેડ એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સ્ટેપ-ડાઉન સબસીડરી છે. રિલાયન્સ તેમાં રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લીમીટેડના સબ સ્ક્રાઈબ્ડ ઈકવીટી શેર પેટે 85.06 ટકા હિસ્સા ધરાવે છે. જે રીલાયન્સ રિટેલ લીમીટેડનાં 99.93 ટકા સબસ્ક્રાઈબ્ડ ઈકવીટી શેરો ધરાવે છે.આ સિવાય 0.09 ટકા એટલે કે 78.65 લાખ ઈકવીટી શેરો છે. રીલાયન્સ રીટેલ આજે દેશની સૌથી મોટી રિટેલ કંપ્ની છે. અગાઉ 2020 માં રીલાયન્સ રિટેલ વેન્ચર્સે ગ્લોબલ પ્રાઈવેટ ઈકવીટી ફંડસને 10.09 ટકા હિસ્સો વેંચીને રૂા.47,265 કરોડ મેળવ્યા હતા
તેને કારણે કંપ્નીનું વેસ્યુએશન રૂા.4.2 લાખ કરોડથી વધારે થયુ હતું.તેમાં રોકાણ કરનારા રોકાણકારોમાં સિલ્વર લેઈક, કેકેઆર, મુબાદલા, અબુધાબી, ઈન્વેસ્ટમેન્ટ ઓથોરીટી, જીઆઈસી, ટીપીજી જનરલ એટલાન્ટીક અને સાઉદી અરેબીયાં પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડનો સમાવેશ થાય છે. ગ્લોબલ બ્રોકરેજ બર્નસ્ટાઈને રિલાયન્સ રિટેલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હિસ્સાનું વેલ્યુએશન 111 અબજ ડોલર આંકયુ છે. રિલાયન્સે અગાઉ સંકેત કર્યો હતો કે તે જીયો અને રિટેલનું લીસ્ટીંગ કરાવશે અને શેરધારકો માટે વેલ્યુ અનલોક કરશે.