ખેડૂતોની વેદના સમજવા બદલ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીનો આભાર માન્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત માંધાતા ગ્રુપના મહામંત્રી રેખાબેન કે. સગારકાએ જણાવ્યું કે તા. 23-10થી 4-11 સુધી રાજ્યભરના તમામ જિલ્લાઓમાં અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે કમોસમી વરસાદ વરસ્યો છે, જે લગભગ છેલ્લા 1-2 દાયકાનો સૌથી અસાધારણ વરસાદ મનાઈ રહ્યો છે.
- Advertisement -
આશરે 3થી 4 મહિનાના સખત પરિશ્રમ અને મહેનતથી ખેડૂતો દ્વારા ચોમાસુ પાક તૈયાર કરાયો હોય છે ત્યારે આવી અણધારી આફત આવી પડતાં તેઓની માઠી દશા થતાં તેઓની આર્થિક તેમજ સામાજિક પરિસ્થિતિઓ પર પણ ગંભીર અસર પડતી હોય છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા 10000 કરોડ રૂપિયાની માતબર રકમનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે બદલ તેઓને આવકારી અભિનંદન પાઠવું છું.
રેખાબેને વધુમાં જણાવ્યું હતું કે કુદરતી આફતની આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારના તમામ વિભાગોના મંત્રીઓ છેલ્લા એક અઠવાડિયાથી અલગ-અલગ જિલ્લાઓમાં જઈ અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરી તેઓની વ્યથા સાંભળી સ્થિતિનો તાગ મેળવી ધરતીપુત્રોની વેદના સાંભળી તેઓની લાગણીને ધ્યાનમાં લઈ પૂરી સંવેદના દાખવવા સરકાર તેઓની પડખે ઊભી છે તેવી ખાતરી આપવામાં આવી હતી, જેના પરિણામે રાજ્યભરના ખેડૂતોને થયેલ વ્યાપક નુકસાનને ડામવા સહાય પેકેજની જાહેરાત કરી હતી, જેમાં પ્રતિ હેકટર દીઠ રૂા. 22000ની સહાય પૂરી પાડવાનો ઐતિહાસિક નિર્ણય કરાયો હતો તેમજ રૂા. 15000 કરોડના ખર્ચે મગફળી, મગ, અડદ, સોયાબીન જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી સરકાર અન્નદાતાઓની સુખાકારી માટે થઈને તેઓને આર્થિક સહાય પૂરી પાડવા કટિબદ્ધ હતી અને રહેશે તે ફરી એક વખત સાબિત કરી બતાવ્યું. સમયસર ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં તેમજ સહાય જાહેર થતાં ખેડૂતો પોતાના ખેતરમાં હળવાશથી કામગીરી કરી શિયાળુ પાકની તૈયારી કરી શકશે, જેમાં દવા, ખાતર તેમજ અન્ય ઓઝારોની ખરીદી કરી શકશે તેમજ પોતાના ઘર-પરિવારમાં આવતા સામાજિક પ્રસંગો પણ હર્ષોલ્લાસથી માણી શકશે ત્યારે ફરી એક વખત સૌરાષ્ટ્રના કરોડો ખેડૂત વતી સરકારને અભિનંદન પાઠવું છું.



