રમતા-રમતા શિક્ષણ મળે તે હેતુથી દીવાલો પર આકર્ષક શૈક્ષણિક ચિત્રો અને જ્ઞાનવર્ધક આકૃતિઓ દોરવામાં આવ્યા
મનપાના નવીનીકરણ અભિયાન હેઠળ આંગણવાડીને આધુનિક સુવિધાઓથી સજ્જ કરાઈ: સર્વાંગી વિકાસ માટે વિશેષ ડ્રાઈવ પૂર્ણ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
રાજકોટ શહેરના નાના બાળકોના પાયાના શિક્ષણ અને પોષણને વધુ સુદ્રઢ બનાવવાના આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ શહેરની 286 આંગણવાડીઓને અત્યાધુનિક અને ’સ્માર્ટ’ બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે. રાજકોટ મનપા દ્વારા ગત તા. 16/01/2025 થી 31/01/2025 દરમિયાન એક વિશેષ ’આંગણવાડી નવીનીકરણ ડ્રાઈવ’ ચલાવવામાં આવી હતી. આ 15 દિવસના અભિયાન અંતર્ગત શહેરની તમામ 286 આંગણવાડીઓમાં માળખાગત સુધારા સાથે કાયાકલ્પ કરવામાં આવ્યો છે.
આ અભિયાન હેઠળ આંગણવાડીઓને માત્ર રંગરોગાન જ નહીં, પરંતુ શૈક્ષણિક દ્રષ્ટિએ પણ સજ્જ કરવામાં આવી છે. આંગણવાડીના ભવનોમાં આંતરિક અને બાહ્ય એમ બંને પ્રકારનું ગુણવત્તાયુક્ત કલરકામ કરવામાં આવ્યું છે. બાળકોને રમતા-રમતા શિક્ષણ મળે તે હેતુથી દિવાલો પર આકર્ષક શૈક્ષણિક ચિત્રો અને જ્ઞાનવર્ધક આકૃતિઓ દોરવામાં આવી છે.બાળકો માટે પીવાના શુદ્ધ પાણી અને સ્વચ્છ શૌચાલય જેવી પાયાની સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે. આંગણવાડીઓને ડિજિટલ અને સ્માર્ટ લર્નિંગના સાધનોથી સજ્જ કરવાની દિશામાં પગલાં લેવાયા છે.



