PMના આગમન પૂર્વે તડામાર તૈયારી
ખાસ-ખબર સંવાદદાતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટની મુલાકાતે આવવાના છે. ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સાથે મળી તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકાથી સીધા ગુજરાતની પ્રથમ રાજકોટ એઇમ્સ ખાતે આવનાર છે. તેઓ એઇમ્સનું લોકાર્પણ કરી બાદમાં હોસ્પિટલના અલગ અલગ વિભાગની મુલાકાત લેવાના છે. ત્યારે આજે રાજકોટ એઇમ્સ ખાતે ઇન્ડિયન એરફોર્સના 3 હેલિકોપ્ટર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. જ્યારે આવતીકાલે રાજકોટ જુના એરપોર્ટથી રેસકોર્સ સુધીના રસ્તા ઉપર કે જ્યાં પ્રધાનમંત્રી રોડ શો યોજવાના છે તે રૂૂટ ઉપર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવનાર છે.
- Advertisement -
પ્રધાનમંત્રીના આગમન પૂર્વે આખરી રિહર્સલ કરાશે
એઇમ્સ હોસ્પિટલથી પ્રધાનમંત્રી રાજકોટના જુના એરપોર્ટથી રેસકોર્સ મેદાન પહોંચવાના છે. પ્રધાનમંત્રી સાંજના લગભગ 4 વાગ્યા આસપાસ રાજકોટ જુના એરપોર્ટ પર આગમન થવાનું છે અને ત્યાંથી રેસકોર્સ સુધીના રૂૂટ પર રાજકોટવાસીઓ પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવાના છે. તે સ્વાગત જીલવા માટે પ્રધાનમંત્રી ભવ્ય રોડ શો પણ કરવાના છે. જે માટે સુરક્ષા ધ્યાને રાખી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે કોઈ ચૂક ન રહે તે માટે આવતીકાલે શનિવારના રોજ પોલીસ દ્વારા પ્રધાનમંત્રીના આગમન પૂર્વે રૂૂટ પર આખરી રિહર્સલ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકાથી સીધા રાજકોટ આવશે
- Advertisement -
પ્રધાનમંત્રીના આગમનને લઇ રાજકોટમાં જડબેસલાક લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે આજે રાજકોટમાં સવારે રાજકોટ-જામનગર રોડ પર પરાપીપળીયા ખાતે આકાર લઇ રહેલી એઇમ્સ હોસ્પિટલ ખાતે ઇન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આગામી 25 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે દ્વારકાથી સીધા ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટ ખાતે આવનાર છે. અહીંયા તેઓ લગભગ 25 મિનિટ સમય સુધી હોસ્પિટલના અલગ અલગ વિભાગની મુલાકાત લેશે. બાદમાં અહિયાથી પરત તેઓ રાજકોટ જુના એરપોર્ટ ખાતે હેલિકોપ્ટર મારફત આવનાર છે.
1300થી વધુ પોલીસ જવાન
પ્રધાનમંત્રીની સુરક્ષામાં કુલ 3 હજારથી વધારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાવવાના છે. જેમાં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં 8 જેટલા DCP, 16 જેટલા DYSP, 50 જેટલા PI, 150 જેટલા PSI, 1300થી વધુ પોલીસ જવાન, 170થી વધુ મહિલા પોલીસ, 280થી વધુ SRP જવાન, 500 જેટલા હોમગાર્ડ અને 600 જેટલા ટ્રાફિક વોર્ડન તૈનાત રહેશે.