મોરબી હોનારત મામલે નીતિન ગડકરીએ કહ્યું મારી પાસે 80 હજાર પૂલનું લિસ્ટ તૈયાર, એવી સિસ્ટમ લગાવીશ કે ઍલાર્મ વાગશે
ગુજરાતમાં મોરબી બ્રિજ દુર્ઘટના સંદર્ભે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક મોટું નિવેદન આપ્યું છે. ગડકરીએ કહ્યું હતું કે, તેઓ એવી સિસ્ટમ લગાવશે કે, નબળા પડી રહેલા બ્રિજ વિશે અગાઉથી જાણ થઈ જશે. તેમણે કહ્યું કે, જ્યાં પણ પુલને નુકસાન થયું છે તે દિલ્હીમાં કોમ્પ્યુટરમાં જાણી શકાશે.
- Advertisement -
સરકારી માહિતી મુજબ 30 ઓક્ટોબરે મોરબીમાં કેબલ બ્રિજ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા. ચૂંટણી રાજ્યમાં આ દર્દનાક અકસ્માત બાદ રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર વિપક્ષના નિશાના પર આવી ગઈ છે. મોરબી બ્રિજ દુર્ઘટના મામલે વિપક્ષ સરકારને સવાલો પૂછી રહ્યો છે. જ્યારે એક ખાનગી ન્યૂઝ ટીવી ચેનલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને અકસ્માતને લઈને વિપક્ષો તરફથી થઈ રહેલી ટીકા અને ઉકેલ શોધવા અંગે પ્રશ્ન પૂછ્યો તો તેમણે જવાબ આપ્યો કે, ઘણા પુલોનો રેકોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, “હું ઓસ્ટ્રેલિયા ગયો, દુનિયાની ટેક્નોલોજીનો અભ્યાસ કર્યો. નાસિકમાં અમારા કેટલાક લોકોએ એવું સંશોધન કર્યું છે કે, અમે બ્રિજ પર એવી સિસ્ટમ લગાવીશું કે, દિલ્હીમાં બેસીને અમને કોંપ્યુટર ઉપર જ ખબર પડી જશે કે, કોપ બ્રીજ જર્જરિત છે અને કયો બ્રિજ પડવાનો છે. મેં 80 હજાર બ્રિજનો રેકોર્ડ તૈયાર કર્યો છે અને હું હવે ત્રણ-ચાર લાખ બ્રિજનો રેકોર્ડ તૈયાર કરીશ. આ સાથે કોર્પોરેશન, સિટી કાઉન્સિલ અને રાજ્ય દરેકનો બ્રિજ રેકોર્ડ એક જગ્યાએ હશે અને જ્યાં આ પ્રકારની છેતરપિંડી થશે ત્યાં રેડ (લાલ) એલાર્મ વાગશે. જેથી તરત જ હું કોર્પોરેશન, રાજ્ય સરકાર અને NHAIને કહીશ કે આ બ્રિજ ખરાબ છે. અમે આ સમગ્ર સિસ્ટમ તૈયાર કરી રહ્યા છીએ.
આ સાથે કેન્દ્રીય મંત્રી ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, હું પ્રયાસ કરીશ કે ગુજરાતમાં બનેલી ઘટનાના આધારે હું વડાપ્રધાનને પ્રાર્થના કરીશ કે જો દેશને આ પ્રકારની ટેક્નોલોજીનો ઉકેલ મળી જાય તો આગળ કોઈ દુર્ઘટના ન થાય. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ અકસ્માતમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કરતા વધુમાં કહ્યું કે, અમારા મુંબઈ-ગોવા રોડ પરનો પુલ અધવચ્ચે જ ધોવાઈ ગયો હતો, જેના કારણે ઘણા લોકોના મોત થયા હતા, અમે તેને તરત જ બનાવી દીધો. તે પુલ છ મહિનામાં બનાવ્યો. મને લાગે છે કે, આ દુર્ઘટના ફરીથી ન થાય, આ માટે અમે ટેક્નોલોજીનો ઉકેલ લાવી કામ કરવાનો પ્રયાસ કરીશું. 15-20 દિવસમાં તેની સંપૂર્ણ પ્રોફાઇલ તૈયાર કર્યા પછી અમે તેને અમલમાં મૂકવાની સ્થિતિમાં છીએ અને ટૂંક સમયમાં વિગતો શેર કરીશું.
- Advertisement -