ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
સુપ્રીમ કોર્ટે તેના એક મહત્વપૂર્ણ આદેશમાં કહ્યું છે કે, ભારતીય દંડ સંહિતાની કલમ 306 હેઠળ લગ્નનો અસ્વીકાર આત્મહત્યા માટે ઉશ્કેરવા સમાન નથી. જસ્ટિસ બી.વી. નાગરથના અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે એક મહિલા વિરૂધ્ધ ચાર્જશીટ ફગાવી દેતા આ ટિપ્પણી કરી હતી.
- Advertisement -
મહિલા પર તેના પુત્રને પ્રેમ કરતી મહિલાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. મહિલાએ લગ્ન માટે સંમતિ આપવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે મહિલાએ આત્મહત્યા કરી હોવાનો આરોપ છે.અપીલ કરનાર મહિલા પર આત્મહત્યા કરનાર મહિલા સાથે તેના પુત્રના લગ્નનો વિરોધ કરવાનો અને તેની સામે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ હતો. કોર્ટે કહ્યું કે, જો ચાર્જશીટ અને સાક્ષીઓના નિવેદનો સહિત રેકોર્ડ પરના તમામ પુરાવાઓને સાચા ગણવામાં આવે તો પણ અપીલકર્તા વિરૂધ્ધ એક પણ પુરાવા નથી.
બેન્ચે કહ્યું, “અમને લાગે છે કે અપીલકર્તાના કૃત્યો એટલા દૂરગામી અને પરોક્ષ છે કે તે કલમ 306, IPCહેઠળ ગુનો ગણી શકાય નહીં. અપીલકર્તા સામે એવો કોઈ આરોપ નથી કે મૃતક પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો.” કોર્ટે કહ્યું કે, રેકોર્ડ દર્શાવે છે કે, અપીલકર્તાએ તેના પરિવાર સાથે મળીને તેના અને તેના પુત્ર વચ્ચેના સંબંધોને સમાપ્ત કરવા માટે મૃતક પર કોઈ દબાણ લાવવાનો પ્રયાસ કર્યો નથી.
બેન્ચે કહ્યું કે, ’મૃતકનો પરિવાર પોતે આ સંબંધથી નાખુશ હતો, પરંતુ તે આત્મહત્યા માટે ઉશ્કેરવાના પ્રત્યક્ષ કે પરોક્ષ આરોપના સ્તર સુધી પહોંચતો નથી.’ ખંડપીઠે કહ્યું કે ’મૃતકને કહેવું કે જો તે તેના પ્રેમી સાથે લગ્ન કર્યા વિના જીવી શકતી નથી, તો આવી ટિપ્પણીને આત્મહત્યા માટે ઉશ્કેરણી તરીકે ગણવામાં આવશે નહીં.’



 
                                 
                              
        

 
         
         
        