સૌરાષ્ટ્ર-ઉત્તરમાં ઓરેન્જ એલર્ટ બનાસકાંઠાના લાખણીમાં 2 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ, સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
- Advertisement -
આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યા બાદ હાલ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને મધ્યના જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ ગીર સોમનાથની સરસ્વતી નદીમાં પૂર આવતા માઘવરાજી મંદીર પાણીમાં ગરકાવ થયું હતું. જ્યારે નવસારીની પૂર્ણા નદી બે કાંઠે વહેવા લાગી હતી. બનાસકાંઠાના નડાબેટમાં ધોધમાર વરસાદથી રણ દરિયો બન્યુ હતું. જ્યારે પાટણમાં પણ ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા છે. આજે બનાસકાંઠાના લાખણીમાં 2 કલાકમાં જ 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 146 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વિવિધ ભાગોમાં મેઘરાજા ધમધોકાર બેટિંગ ત્યારે અમદાવાદ શહેરમાં પણ છેલ્લાં ચાર દિવસથી વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. બે સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના આગાહી છે. તેમજ આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- Advertisement -
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બપોરે 12 વાગ્યા બાદ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. એસજી હાઇવે, વસ્ત્રાપુર, સેટેલાઈટ, એલિસબ્રિજ, પાલડી, આશ્રમરોડ, જમાલપુર, નરોડા, નિકોલ, સરદારનગર, નોબલનગર, કોતરપુર, જોધપુર, બોપલ, ઓઢવ, વિરાટનગર ગોમતીપુર, મણીનગર, દાણીલીમડા, લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર ગુજરાત રાજયમાં મધ્યમ તો ક્યાંક અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે તેવામાં આજે પણ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ સાથે જ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, ભરૂૂચ, તાપી, ડાંગ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, નર્મદા, બોટાદ, રાજકોટ, પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા નડાબેટમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેથી નડાબેટના રણમાં પાણી ભરાતા રણ દરિયો બન્યો હતો. નડાબેટનો રણ વિસ્તાર પાણી ભરાવાથી દરિયો બનતા અદભુત દ્રશ્ર્યો સર્જાયા હતા.