દેશમાં સૌથી વધુ ધન-સંપતિ ધરાવતા મંદિરોમાં મોખરાનું સ્થાન ધરાવતા તથા લાખો લોકોના શ્રધ્ધાના કેન્દ્ર સમા તિરૂપતિ બાલાજી મંદિરમાં એક જ દિવસમાં 7.6 કરોડના દાનનો રેકોર્ડ સર્જાયો છે. આંધ્રપ્રદેશના તિરૂમાલા સ્થત તિરૂપતી બાલાજી મંદિરના અત્યાર સુધીના ઇતિહાસમાં એક દિવસનું આ સૌથી મોટુ દાન છે. વૈકુંઠ એકાદશીના પવિત્ર દિવસે આ નવો રેકોર્ડ સર્જાયો છે.
આ પૂર્વે 23 ઓક્ટોબર 2022ના દિવસે 6.3 કરોડના સર્વોચ્ચ દાનનો રેકોર્ડ હતો. તેના કરતા સોમવારે 1.3 કરોડ વધુ મળ્યા હતા. નવા કેલેન્ડર વર્ષે તિરુપતી બાલાજીના દર્શન માટે હજારો ભાવિકો ઉમટ્યા હતા. 31મી ડીસેમ્બરની મધરાતથી જ ભાવિકોએ લાઇનો લગાવી દીધી હતી. ગત એપ્રિલમાં કોવિડ નિયંત્રણો દુર કરવામાં આવ્યા બાદ દર મહિને દાનના પ્રવાહમાં સતત વધારો થઇ રહયો જ હતો. તિરુપતિ બાલાજી મંદિરનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા કરવામાં આવે છે.
- Advertisement -
2012થી 2022ના દસ વર્ષમાં દાન કલેક્શન ડબલ થઇ ગયું છે. દેશના અન્ય જાણીતા મંદિરોમાં દર મહિને સરેરાશ 4 કરોડનું દાન મળે છે જ્યારે તિરુપતિ બાલાજી મંદિરની સરેરાશ દૈનિક દાન આવક 6 કરોડ છે. કોરોના કાળ પૂર્વે દર મહિને હૂંડીદાન 90 થી 115 કરોડ હતું. ગત એપ્રિલ બાદ તેમાં મોટો વધારો થઇ રહ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષનું હુંડીદાન 1500 કરોડને આંબવાનું અંદાજવામાં આવે છે.
છેલ્લા વર્ષોનું હુંડીદાન
2017-18 —– 990.97 કરોડ
2018-19 —– 1052.45 કરોડ
2019-20 —– 1095 કરોડ
2020-21 —– 545.95 કરોડ
2021-22 —– 838.99 કરોડ
2022-23 —– 1000 કરોડ (ડીસેમ્બર સુધી)