તાલાલા પંથકના 14 ગામના સરપંચો, ચાર તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ કિસાન અગ્રણીઓ, ખેડૂતોને સાથે રાખી બાગાયત વિભાગ અને મામલતદારને આવેદનપત્રો આપ્યા
નાશ પામેલાં પાક અંગે અધિકારીઓ સરકારને ગેરમાર્ગે દોરે છે, જરૂર પડ્યે તાલાલા તાલુકો સજ્જડ બંધ રાખાશે: સર્વ પક્ષીય અગ્રણીઓ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.26
તાલાલા પંથકની જીવાદોરી સમાન કેસર કેરીના નાશ પામેલ પાકનું રી-સર્વે કરાવી કેસર કેરીના ઉત્પાદક કિસાનોને યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો તાલાલા ખાતેના બાગાયત સંશોધન કેન્દ્રને ઘેરાવ સાથે ઉગ્ર લોક લડતના મંડાણ કરવામાં આવશે..તાલાલા ખાતેની બાગાયત કચેરી તથા મામલતદારને તાલાલા પંથકના 14 ગામના સરપંચો,ચાર તાલુકા પંચાયતના સભ્યો તથા કિસાન અગ્રણીઓએ કેસર કેરીના ઉત્પાદક કિસાનોને સાથે રાખી આવેદનપત્રો આપ્યા છે.
આવેદનપત્રમાં જણાવેલ વિગત પ્રમાણે તાલાલા પંથકમાં છેલ્લા પાંચ વર્ષથી કેસર કેરીનો પાક અવિરત ઘટતો જાય છે.આ વર્ષે અમુક કેરીના બગીચાને બાદ કરતાં મોટાભાગના બગીચામાં કેરીનો પાક નાશ પામ્યો છે છતાં પણ બાગાયત વિભાગના બાબુઓએ સરકારમાં સર્વેનો જે અહેવાલ મોકલેલ છે તે ગોળ ગોળ અને સંપૂર્ણ ખોટો મોકલી કેસર કેરીના ઉત્પાદક કિસાનોને પડ્યા ઉપર પાટું મારવા સમાન અને કિસાનો વિરોધી છે.તાલાલા પંથકમાં કેસર કેરીનો પાક નિષ્ફળ જવા બદલ કેસર કેરી પકવતા કિસાનોને જવાબદાર ગણાવી બાગાયત વિભાગ તેમની નિષ્ફળતા નો દોષનો ટોપલો કિસાનો ઉપર ઢોળી કિસાનોની મજાક ઉડાવી હળાહળ અન્યાય કર્યો છે.તાલાલા પંથકના કેરીના પાક અંગે અધિકારીઓ સરકારને સાચી વિગતથી અવગત કરવાનાં બદલે ગેરમાર્ગે દોરી રહ્યા હોવાના સર્વપક્ષીય અગ્રણીઓએ બાગાયત વિભાગના બાબુઓ સામે ખુલ્લા આક્ષેપો કરી કેસર કેરીના પાકનું દરેક ગામના સરપંચો તથા આગેવાનોને સાથે રાખી રી-સર્વે કરવા માંગણી કરી છે.
કેસર કેરીના પાકનું ખેડૂતોની માંગણી પ્રમાણે આઠ દિવસમાં રી-સર્વે કરાવી કિસાનોને યોગ્ય ન્યાય આપવામાં આવશે નહીં તો તાલાલા બાગાયત વિભાગની કચેરીને ઘેરાવ કરી તમાંમ ગામના ખેડૂતોને સાથે રાખી ઉગ્ર લોકલડત શરૂ થશે.જરૂર પડે તાલાલા તાલુકાનાં ગામડા બંધ નો પણ કાર્યક્રમ આપવામાં આવશે.આવેદનપત્ર આપવાનાં કાર્યક્રમમાં વિવિધ ગામના સરપંચો તથા સર્વપક્ષીય તથા કિસાન અગ્રણીઓ જોડાયા હતાં.