પ્રિયંકા ગાંધી વાડ્રાના નેતૃત્વમાં સવાલો ઉઠ્યા, ટિકિટ મળ્યા બાદ પણ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે
ઉત્તરપ્રદેશમાં આજકાલ બસપા અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે પક્ષ પલટીની ભાગદોડ ચાલી રહી છે. છેલ્લા છ મહિનામાં કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓએ ઉત્તરપ્રદેશ માંથી કોંગ્રેસ છોડી દીધી છે; અને અન્ય પક્ષોમાંથી ચૂંટણી લડી રહ્યા છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલીઓ વધી ગઈ છે. રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ નબળી છે અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રાજ્યમાં પાર્ટીને પુનઃસ્થાપિત કરવા માટે અનેક રાજકીય દાવ રમી રહ્યા છે. હાલમાં પાર્ટીમાં પ્રિયંકા ગાંધીના નેતૃત્વ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે, ચૂંટણીમાં ટિકિટ મળ્યા બાદ પણ પક્ષના નેતાઓ અન્ય પક્ષોમાં જોડાઈ રહ્યા છે. જેને પાર્ટી માટે બહુ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
- Advertisement -
અત્યારે કોંગ્રેસને સૌથી મોટો ફટકો તે નેતાઓના કારણે પડ્યો છે; જેમની ટિકિટ પાર્ટીએ ફાઈનલ કરી હતી અને ટિકિટ મળ્યા બાદ તેઓએ અન્ય પક્ષોમાં પાટલી બદલી છે.
આ સાથે જ પાર્ટી છોડી ગયેલા નેતાઓ કોંગ્રેસ હાઈકમાન્ડ અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉઠાવી રહ્યા છે. હવે તો કાર્યકરો પણ કહી રહ્યા છે કે, કોંગ્રેસની નીતિ ઘડનારાઓ પાસે નવા ઉમેદવારોની ઓળખ નથી. ખરેખર કામ કરી રહેલા નેતાઓને પાર્ટીએ ટિકિટ આપી નથી. જેથી નેતાઓ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે.
રામપુરમાં પાર્ટીને મોટો ઝટકો :
કોંગ્રેસે તાજેતરમાં જ 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. તેના બીજા જ દિવસે રામપુરની ચમારવા બેઠક પરથી ટિકિટ મેળવનાર યુસુફ અલી સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. જોકે, તેમને સપામાં ટિકિટ ન મળી અને તેઓ કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી. આ સાથે જ કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, આવા નેતાઓને ફરીથી પાર્ટીમાં લેવા જોઈએ નહીં.
- Advertisement -
આવા પક્ષ પલટુ નેતાઓને કારણે પાર્ટીમાં ખોટો સંદેશો જઈ રહ્યો છે. આ સાથે કોંગ્રેસને બીજો આંચકો રામપુરમાં જ લાગ્યો હતો; અને પાર્ટીના ઉમેદવાર હૈદર અલી ખાન ઉર્ફે હમઝા મિયાંએ કોંગ્રેસ છોડીને અપના દળ સાથે હાથ મિલાવ્યા હતા. અપના દળ તેમને સ્વાર બેઠક પરથી ટિકિટ આપી રહ્યું છે.
બરેલીમાં પણ ગાંધી પરિવારના વફાદારોએ ઝટકો આપ્યો :
કોંગ્રેસ દ્વારા બરેલીના ઉમેદવાર જાહેર કરાયેલા સુપ્રિયા એરોન અને તેમના પતિ કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રવીણ સિંહ એરોન સાથે સપામાં જોડાઈ ગયા. જ્યારે હારુન પરિવાર ઘણા દાયકાઓથી ગાંધી પરિવારની નજીક છે. તે સપામાં આવ્યા પછી પાર્ટીએ તેમને બરેલી બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે.
તાજેતરમાં જ પાર્ટીની પોસ્ટર ગર્લ ગણાતી પ્રિયંકા મૌર્ય પણ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ છે. જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસમાંથી અન્ય પક્ષોના ઘણા ઉમેદવારોએ બીજી પાર્ટીમાં સભ્યપદ લીધું છે.