હાર્દિક-તિલકની ઇનિંગ એળે ગઈ; કોહલી-રજતની ફિફ્ટી, કૃણાલે 4 વિકેટ લીધી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.8
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ (RCB) સોમવારે IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) પર 12 રનથી રોમાંચક જીત નોંધાવી. ટીમ 10 વર્ષ પછી વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈને હરાવવામાં સફળ રહી છે. છેલ્લી જીત 2015 સીઝનમાં મળી હતી. મુંબઈએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. બેંગલુરુએ 20 ઓવરમાં 6 વિકેટે 221 રન બનાવ્યા. જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 9 વિકેટે 209 રન જ બનાવી શક્યું. કેપ્ટન હાર્દિક પંડ્યા (42) અને તિલક વર્મા (56)એ 34 બોલમાં 89 રનની ભાગીદારી કરીને પોતાની ટીમને રન ચેઝમાં જાળવી રાખી, પરંતુ આ જોડી આઉટ થયા પછી તરત જ ટીમ મેચ હારી ગઈ. બેંગલુરુ તરફથી કૃણાલ પંડ્યાએ 4 વિકેટ લીધી. યશ દયાલ અને જોશ હેઝલવુડે 2-2 વિકેટ લીધી.
- Advertisement -
બેંગલુરુ તરફથી વિરાટ કોહલી (67 રન) અને કેપ્ટન રજત પાટીદાર (64 રન) એ અડધી સદી ફટકારી હતી. જીતેશ શર્માએ અણનમ 40 રન અને દેવદત્ત પડિકલે 37 રનનું યોગદાન આપ્યું હતું. ટ્રેન્ટ બોલ્ટ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી. વિગ્નેશ પુથુરને એક વિકેટ મળી. બેંગલુરુની ટીમે 12 રનથી મેચ જીતી લીધી છે. છેલ્લી ઓવર ફેંકતા કૃણાલ પંડ્યાએ 19 રન બચાવ્યા. તેમજ 3 વિકેટ લીધી. તેણે મિશેલ સેન્ટનર, દીપક ચહર અને નમન ધીરને આઉટ કર્યા હતા. મુંબઈએ 19મી ઓવરમાં છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી. અહીં હાર્દિક પંડ્યા 42 રન બનાવીને આઉટ થયો હતો. જોશ હેઝલવુડની બોલ પર લિવિંગસ્ટને તેનો કેચ પકડ્યો.
હાર્દિક અને તિલકે કરી ધમાકેદાર બેટિંગ
99 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી ચૂકેલી મુંબઈને મોટી ભાગીદારીની જરૂર હતી અને પછી કેપ્ટન હાર્દિક પંડ્યા ક્રીઝ પર આવ્યો. તેણે માત્ર 15 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 42 રન બનાવ્યા. આ દરમિયાન તેણે તિલક વર્મા સાથે માત્ર 34 બોલમાં 89 રનની ભાગીદારી કરી. છેલ્લી મેચમાં હર્ટ થઈને રિટાયર્ડ થયેલા તિલક આ મેચમાં અડધી સદી ફટકાર્યા બાદ પેવેલિયન પરત ફર્યા હતા. હેઝલવુડની બોલ પર લિવિંગસ્ટોને તેનો કેચ પકડ્યો. ડાબા હાથના બેટ્સમેને ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા. જોકે, બંને પોતાની ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યા.
- Advertisement -
વિરાટ કોહલીની ફિફ્ટી
હાર્દિક પંડ્યાએ 15મી ઓવરમાં કિંગ કોહલીને નમન ધીરના હાથે કેચ આઉટ કરાવ્યો. તેણે આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 67 રન બનાવ્યા. જમણા હાથના બેટ્સમેને 29 બોલમાં સિઝનની પોતાની બીજી ફિફ્ટી ફટકારી. આ તેની આઈપીએલ કારકિર્દીની 57મી અડધી સદી છે. તે જ સમયે, કેપ્ટન પાટીદારનું બેટ પણ જોરથી ગર્જના કરતું હતું. તેણે પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 64 રન બનાવ્યા. લિયામ લિવિંગસ્ટોન ખાતું પણ ખોલાવી શક્યો નહીં. જીતેશ શર્મા 40 રન અને ટિમ ડેવિડ એક રન બનાવીને અણનમ રહ્યા. મુંબઈ તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને હાર્દિક પંડ્યાએ બે-બે વિકેટ લીધી જ્યારે વિગ્નેશ પુથુરને એક સફળતા મળી.
RCB ત્રીજા સ્થાને પહોંચ્યું
RCB એ વાનખેડે ખાતે મુંબઈ સામે 3619 દિવસ પછી જીત મેળવી. આ જીત સાથે, રજત પાટીદારના નેતૃત્વ હેઠળની ટીમ ત્રીજા સ્થાને પહોંચી ગઈ. તેના ખાતામાં છ પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ 1.015 છે. તે જ સમયે, મુંબઈને આ સિઝનમાં ચોથી અને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ આઠમા સ્થાને છે અને તેમનો નેટ રન રેટ -0.010 થઈ ગયો છે. દિલ્હી કેપિટલ્સ છ પોઈન્ટ અને 1.257 ના નેટ રન રેટ સાથે ટોચ પર છે.