નિયમોને કારણે રકમ 67 ટકા ઘટી
મોટા વિડ્રોઅલની સુરક્ષા વધારવાનો ફાયદો દેખાયો
ખાસ-ખબર સંવાદદાતા
બેંક ફ્રોડના કિસ્સા 4.60% વધી ગયા પણ છેતરપિંડી કરીને ઉપાડાતી રકમ 67.43% ઘટી ગઇ. રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટ મજુબ 2019-20માં કુલ 8,703 બનાવમાં 1,85,468 કરોડ રૂ.નું બેંક ફ્રોડ થયું હતું. બેંકોએ રોકડ ઉપાડ સંબંધી સુરક્ષા વધારતા છેતરપિંડી દ્વારા મોટી રકમ ઉપાડવા પર નિયંત્રણ આવ્યું. 2020-21માં દેશમાં 9,103 બનાવ બન્યા પણ રકમ 60,414 કરોડ રૂ. જ નીકળી.
- Advertisement -
નિષ્ણાતોના કહેવા મુજબ, મોટી રકમના ઉપાડ માટે ઘણા સ્તરે સુરક્ષા વધારાતા ફ્રોડ વધવા છતાં રકમ ઘટી છે.રાહતની વાત એ છે કે સરકારી બેંકોના ખાતેદારો ઓછા શિકાર બની રહ્યા છે. 2019-20માં 50.7% કિસ્સામાં સરકારી બેંકો શિકાર બની હતી. 2020-21માં તેનું પ્રમાણ 33.8% રહ્યું. એટલે કે કુલ 9,103માંથી 3,078 બનાવ સરકારી બેંકોના ખાતેદારો સાથે બન્યા. આ અગાઉ નાણાકીય વર્ષ 2019-20ના કુલ 8,703માંથી 4,410 બનાવ સરકારી બેંકોના હતા. સરકારી બેંકો માટે રાહતની વાત એ પણ છે કે 2019-20માં ફ્રોડના બનાવોમાં 1,48,224 કરોડ રૂ.નો ચૂનો લાગ્યો હતો જ્યારે 2021-22માં 72.82% ઘટીને 40,282 કરોડ રૂ. થયા છે.
પ્રાઇવેટ સેક્ટરની બેંકો સાથે ફ્રોડ 74% વધ્યું
રિપોર્ટમાં પ્રાઇવેટ સેક્ટરની બેંકો માટે ગંભીર ચેતવણી છે, કેમ કે આ બેંકો સાથે છેતરપિંડીના બનાવ 74% વધ્યા છે. 2019-20માં પ્રાઇવેટ બેંકોના ખાતેદારો સાથે છેતરપિંડીના 3,065 બનાવ બન્યા હતા જ્યારે 2021-22માં 5,334 કેસ સામે આવ્યા. 3 વર્ષ અગાઉ બેંકો સાથે થતા ફ્રોડમાં પ્રાઇવેટ બેંકોની હિસ્સેદારી 35.2% હતી, જે 2021-22માં વધીને 58.6% થઇ ચૂકી છે.