રવીન્દ્ર જાડેજાની સર્જરી સફળ રહી છે અને ઈન્સ્ટાગ્રામ પર જાણકારી આપતા તેમણે જણાવ્યું છે કે વહેલી તકે ટીમમાં વાપસી કરશે.
ભારતનાં સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનાં જમણા ઘૂંટણની સફળ સર્જરી થઇ છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને આ જાણકારી આપી છે. જાડેજા એશિયા કપમાં પાકિસ્તાન અને હોંગકોંગ સામે મેચ રમ્યા બાદ ટુર્નામેન્ટથી બહાર થયા હતા. તેમણે બંને મેચોમાં ટીમ ઇન્ડિયાની જીતમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જાડેજાએ સર્જરી બાદ કહ્યું કે તેઓ જલ્દી જ વાપસી કરવાની કોશિશ કરશે.
- Advertisement -
જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા કહ્યું કે સર્જરી સફળ રહી. સમર્થન અને ભાગીદારી માટે ધન્યવાદ આપવા માટે ઘણા લોકો છે – બીસીસીઆઈ, મારા સાથીઓ, સહયોગી સ્ટાફ, ફીઝીયો, ડોક્ટર અને પ્રશંસક. હું જલ્દી જ રીહેબ શરુ કરીશ અને વહેલી તકે ક્રિકેટમાં વાપસી કરવાની કોશિશ કરીશ. તમારી શુભકામનાઓ માટે ધન્યવાદ.
જાડેજાની જગ્યાએ અક્ષર પસંદ થયા હતા
જાડેજાની જગ્યાએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે અક્ષર પટેલને ટીમમાં સામેલ કર્યા હતા. તેમની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવેલા અક્ષર પટેલ જ રીઝર્વ ખેલાડીનાં રૂપમાં ટીમ સાથે રહ્યા હતા. ભારતીય ટીમ પાકિસ્તાન અને હોંગકોંગને હરાવ્યા બાદ એશિયા કપના સુપર 4માં પહોંચી હતી. સુપર 4માં પાકિસ્તાન અને શ્રીલંકા સામે ભારતે હારનો સામનો કરવો પડ્યો.
શાનદાર લયમાં હતા જાડેજા
એશિયા કપમાં રવીન્દ્ર જાડેજા શાનદાર લયમાં હતા. તેમણે પાકિસ્તાન સામે બે ઓવરમાં 11 રન આપ્યા હતા અને બેટિંગમાં 29 બોલમાં 35 રન બનાવ્યા હતા. તેમણે હાર્દિક પંડ્યા સાથે હાફ સેન્ચુરીની ભાગીદારી કરીને ભારતીય ટીમને જીત અપવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ મેચમાં તેમણે એક પ્રમુખ કેચ પણ પકડ્યો હતો. જ્યારે બીજી મેચમાં જાડેજાએ ચાર ઓવરમાં માત્ર 15 રન આપ્યા હતા અને એક વિકેટ પણ લીધી હતી. આ ઉપરાંત, તેમણે એક શાનદાર રન આઉટ પણ કર્યો હતો.