રાવણ પોતાના યુગનો મહાન વિદ્વાન અને વૈજ્ઞાનિક હતો, જેણે આયુર્વેદ, તંત્ર અને જ્યોતિષના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું
હિન્દુ પૌરાણિક કથાઓમાં અનેક દેવો અને દાનવો દીર્ઘ અને જટિલ ઇતિહાસ ધરાવે છે. કેટલાક પાત્રોના સંદર્ભે સમૃદ્ધ પૃષ્ઠભૂમિયુક્ત કથાઓ પ્રચલિત છે, જ્યારે અન્ય કેટલાક પાત્રો કેટલાય અવતારોમાં અસ્તિત્વ ધરાવે છે. ઉપાસકો માટે, આ વાર્તાઓ જે-તે પાત્રનું વધુ સર્વગ્રાહી ચિત્ર બનાવવા માટે એક મહત્વપૂર્ણ પાયો પ્રદાન કરે છે. પાત્રની આ ઊંડાઈ તેનો અભ્યાસ કરનાર કે પૂજનાર અને જે-તે પાત્ર વચ્ચે એક મજબૂત સંધાન રચી આપે છે.રાવણના પૂર્વ-પુનર્જન્મનું રહસ્ય જેમાં છે એ કથા અનુસાર, જય-વિજય નામના ભગવાન વિષ્ણુનાં બે દ્વારપાલ હતા જે શ્રી હરીની સેવા કરતાં હતા. એક વખત સનકાદીક મુનિ ભગવાન વિષ્ણુનાં દર્શન કરવા વૈકુંઠ આવ્યા અને આ બંનેએ તેઓને રોકી લીધા. ક્રોધિત થઈને ઋષિએ બંનેને ત્રણ જન્મ સુધી રાક્ષસ યોનિમાં જન્મવાનો શ્રાપ આપી દીધો. આખરે ક્ષમા માંગતા તેમણે કહ્યું કે ત્રણેય જન્મમાં તમારો અંત ભગવાન શ્રી હરી પોતે કરશે અને ત્યારબાદ તમને મોક્ષ મળશે. શાપિત જય-વિજયનો પ્રથમ જન્મ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ તરીકે થયો હતો. પછી, તેમના બીજા જન્મમાં તેઓ રાવણ અને કુંભકર્ણ બન્યા ત્યારે તેમને મારવા માટે ભગવાન વિષ્ણુએ રામનો અવતાર લીધો. ત્રીજા જન્મમાં તેઓ શિશુપાલ અને દંતવક્ર તરીકે જન્મ્યા. આ જન્મમાં તેમનો મોક્ષ શ્રી કૃષ્ણના હાથે થયો. ત્રણ જન્મ પછી, તેઓ જય-વિજયના રૂપમાં ફરી વૈકુંઠ લોકમાં પાછા ફર્યા. આ સિવાય એક અન્ય કથા અનુસાર રાવણનો પૂર્વ જન્મ કૈકેય દેશના રાજા પ્રતાપભાનુનો હતો. ઋષિઓના શ્રાપને કારણે, પ્રતાપભાનુએ તેના આગલા જન્મમાં રાક્ષસ રાજા રાવણ તરીકે જન્મ લીધો હતો અને તેના નાના ભાઈ અરિમર્દનનો જન્મ મહારથી કુંભકર્ણ તરીકે થયો હતો. રાવણ હિંદુ પૌરાણિક કથાના ફલક પરનું પરસ્પર વિરોધભાસી ક્વોલિટીઝ ધરાવતું, એક આગવું અસામાન્ય પાત્ર છે. તેના વ્યક્તિત્વમાં અનેક વિરોધાભાસી બાજુઓ દ્રષ્ટિગોચર થાય છે. એક જ વ્યક્તિત્વના કેટલા રંગ!! તે જુલમી ક્રૂર સ્વભાવા પ્રદેશવાદી સાશક છે તો તે અધ્યાત્મની ઊંચાઈને વરેલો પરમ વિનયી સમર્પિત ભક્ત છે. તે ક્રૂર અપહરણકર્તા છે તો તે સ્ત્રીની ઇચ્છાને સન્માન આપનાર ઉદાર પુરુષ છે. તે રાક્ષસીય જડતા ધરાવતો અતિ મહત્વકાંક્ષી યોદ્ધો છે તો તે રુદ્રવીણા જેવા સંગીત વાદ્યનો સર્જક, ગીત-સંગીત-કવિત્વથી યુક્ત સમર્થ કવિ- સંગીતકાર સાહિત્યકાર છે. તે રાજસી-ભૌતિક ઠાઠને મહત્વ આપનારો, ભોગ વિલાસમાં માનનારો ભોગી છે તો તે સઘળાં સુખો ત્યજી વર્ષો સુધી વનમાં તપ કરનાર, શિવમાં સુખ શોધનારો પરમ સાધક યોગી છે. તેની એક ગર્જનથી સમગ્ર બ્રહ્માંડ ગાજી ઉઠે તેવો શક્તિશાળી છે તો તે સ્ત્રી મોહમાં અંધ- નબળો, વામણો પુરુષ છે. તે ઇન્દ્રનું આસન ડોલાવી દેનાર વિચક્ષણ, યુદ્ધનીતિનો જાણકાર છે તો તે સામાન્ય મનુષ્યના રૂપમાં રહેલા રામના હાથે પરાસ્ત થયો છે. તેના એક અટ્ટહાસ્યથી સમગ્ર પૃથ્વીને ધ્રુજાવી દે છે અને તે સંગીતના સુરો છેડી મહાદેવને રિઝવી શકે છે. તે જ્યોતિષ ગ્રંથોનો રચયિતા જ્યોતિષાચાર્ય છે અને તે પોતાનું જ મૃત્યુને સામે ન જોઈ શકનાર મૂઢ મતિ પુરુષ છે. તે પોતાને માટે કાળ સામે પણ લડી લે, મૃત્યુને ભેટવાં તૈયાર એવાં નિષ્ઠાવાન કુંભકર્ણનો ભાઈ છે અને તે શત્રુને પોતાના ઘરના દ્વાર સુધી લઈ આવનાર વિશ્વાસઘાતી વિભીષણનો પણ ભાઈ છે! તે રામને મ્હાત આપવા ભીષણ લડત આપતો યુદ્ધભૂમિમાં અડગ છે તો તે શિવને રીઝવવા પોતાના શિરચ્છેદ સુદ્ધા કરનારો પરમ વિવેકી વિનીત, સમર્પિત છે. પોતાના તે લંકાની પ્રજાને સુસાશન, સુખ, સમૃદ્ધિ આપનાર કુશળ અને પ્રજાવત્સલ રાજવી છે તો તે લંકાના પતનનું નિમિત્ત બની પ્રજાને પાયમાલીના મુખમાં ધકેલી દેનાર તદ્દન સ્વાર્થી તુમાખી રાજા છે. તે વૈદિક ઋષીઓને શિવ સાધનાની શિક્ષણ આપનાર, ધર્મ સમજાવનાર પરમ જ્ઞાની ઋષિ પુરુષ છે તો તે અનિતિનું આચરણ કરનાર અધર્મી છે. તે ઇન્દ્રજાળ જેવી અથર્વવેદ મુલક ગેબી વિદ્યાનું અનુસંધાન કરનારો છે તો તે નિયતીની ચાલ ન સમજી શકનાર નાદાન પુરુષ છે. વધુમાં, ઉપરની વાતો આગળ ચલાવીએ તો, ઉપર કહ્યું તેમ, રાવણના પાત્રએ બીજા પુનર્જન્મ દરમિયાન આકાર લીધો છે. (ત્રણમાંથી). રાવણના જીવનની બેકસ્ટોરી હોવા છતાં અને તે રાક્ષસ કેવી રીતે બન્યો તે પ્રશ્નનો જવાબ હોવા ઉપરાંત ઘણા મુદ્દાઓ તેના પાત્રને અસર કરે છે. સૌ પ્રથમ, રામાયણમાં તેમનું પ્રતિનિધિત્વ એક વિશિષ્ટ રાક્ષસનું છે પણ તેમ છતાં લંકાના રાક્ષસ રાજા તરીકે તે અતિ નમ્ર , પ્રજાવત્સલ છે. રાક્ષસિય સ્વભાવનો મૂળ ગુણધર્મ જડતા અને પાશવીપણું હોય એમ માનવામાં આવે છે પરંતુ અહીં રાવણ જ્ઞાની, જ્ઞાનપીપાસુ, જિજ્ઞાસુ, સમર્પિત ભક્ત છે. સીતા (એક અત્યંત ધાર્મિક પાત્ર જે સંપૂર્ણપણે રામને સમર્પિત છે) તેના પ્રત્યેનો રાવણનો મોહ કે લાગણી એક નીતિહીન રાક્ષસ માટે અત્યંત અકુદરતી છે. વળી, સીતા પ્રત્યેના તેના મોહને લઈને આસક્ત તો ખરો જ પણ આસક્તિમાં, અપહરણના અવિવેકી કૃત્ય પછી વળી બળપ્રયોગથી સીતાને વશ કરવાના પ્રયત્નો ન કરતાં, સીતાના હ્ર્દયપરિવર્તનની પ્રતીક્ષા કરે છે. આ વલણ તેના મૂળભૂત રાક્ષસિય સ્વભાવથી એકદમ સામા છેડાનું છે. કોઈ માનવ દ્વારા તેનું મૃત્યુ થાય એ સંભવ હોવા છતાં માનવ સામે તે આવડો પડકાર લે છે. આવા અનેક દ્રષ્ટાંતો વડે સમજી શકાય કે રાવણનું પાત્ર કોઈ
ચોક્કસ સ્વભાવગત ગુણોને વરેલુ શુષ્ક ચરિત્રચિત્રણ નથી પરંતુ બહુવિધ ગુણધર્મોથી સિંચન પામેલું રસપ્રદ પાત્ર છે.
- Advertisement -
જૈન ગ્રંથોમાં રાવણને રાક્ષસ નહીં પણ દેવતા અને પ્રતિ-નારાયણ માનવામાં આવે છે
જૈન વાર્તાઓમાં તેના દસ માથાને ગળાના હારના રત્નોના પ્રતિબિંબ તરીકે દર્શાવવામાં આવે છે
રાવણનું કુળ, બ્રહ્માજીના પુત્ર પુલસ્ત્ય ઋષિ અને તેમના પુત્ર વિશ્રવાની ઋષિના પ્રથમ પત્ની દેવાંગના હતાં, જે ઋષિ ભારદ્વાજની પુત્રી હતાં જેમના પુત્ર કુબેર હતા. વિશ્રવાની બીજી પત્ની કૈકસી , જે દૈત્યરાજ સુમાલીની પુત્રી હતાં જેના બાળકો રાવણ, કુંભકર્ણ અને વિભીષણ હતાં. આપણે રાવણને એક રાક્ષસ, કામી, લાલસમાં અંધ, અહંકારી વ્યક્તિત્વ તરીકે મુલવીએ છીએ. પરંતુ તેનાં વ્યક્તિત્વના અનેક આયામો છે.
રાવણ પોતાના યુગનો મહાન વિદ્વાન જ નહિ પરંતુ સમર્થ વૈજ્ઞાનિકમાં પણ તેની ગણના થાય છે. આયુર્વેદ, તંત્ર અને જ્યોતિષના ક્ષેત્રમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ છે. તેની પાસે સુશેણ જેવા ચિકિત્સકો હતા, જે વિવિધ પ્રદેશોમાં ઉગતી પ્રાણરક્ષક જીવન સંજીવની વનસ્પતિના ઔષધીય ગુણોનું જ્ઞાન ધરાવતા હતા. રાવણના આદેશથી જ આ વૈદ્યરાજે લક્ષ્મણનો જીવ બચાવ્યો હતો. મહાવિદ્વાન અને ભક્તિનાં ચરમ શિખરે જઈ પહોંચેલ રાવણ, શિવસાધનામાં લિન જેણે યમ અને સૂર્યને પણ તેના મહિમા સામે ઝાંખા સાબિત કર્યા હતાં. દશ દિશાઓનો અને ચાર વેદનો જ્ઞાતા હોવાથી દશકંઠી તરીકે ઓળખાતો રાવણ એક કુશળ રાજકારણી, સેનાપતિ અને સ્થાપત્યના ગુણગ્રાહક તેમજ બહુવિધ શાખાઓમાં નિષ્ણાત હોવા ઉપરાંત તે પ્રપંચ, તંત્ર-મંત્ર, હિપ્નોટિઝમ અને અન્ય પ્રકારના જાદુની તેને જાણકારી હતી.
રાવણના સામ્રાજ્યની સીમા અંગદ્વીપ, મલયદ્વીપ, વરાહદ્વીપ, શંખદ્વીપ, કુશદ્વીપ, યવદ્વીપ અને આંધ્રાલય સુધી ફેલાયેલી હતી. આ પહેલા તેણે સુમ્બા અને બાલિદ્વીપ જીતી લીધું હતું. તેનો પરિચય સુમ્બામાં મયદાનવ સાથે થયો અને મયદાનવ દ્વારા ખબર પડી કે દેવતાઓ તેનું શહેર ઉરપુર અને પત્ની હેમાને લઈ ગયા છે. રાવણે તેને એ પરત અપાવ્યા. મયદાનવ તેમની બહાદુરીથી પ્રભાવિત થયા અને તેમની સૌથી સુંદર પુત્રી મંદોદરી સાથે લગ્ન કર્યા. સંત તુલસીદાસજીએ શ્રી રામચરિત માનસના બાલકાંડમાં મંદોદરીની સુંદરતાનું આ રીતે વર્ણન કર્યું છે – ’મય તનુજા મંદોદરી નામા, પરમ સુંદરી નારી લલામા’ એટલે કે મયદાનવની મંદોદરી નામની પુત્રી અત્યંત સુંદર અને સ્ત્રીઓમાં શિરોમણિ હતી.
સાહિત્યકાર રાવણ: રાવણ રચિત અનેક સંસ્કૃત રચનાઓ અને ગ્રંથો છે. તેના વિશે વાત કરીએ તો,
એકવાર રાવણે કૈલાસ પર્વત ઊંચક્યો અને જ્યારે તે આખો પર્વત લંકા લઈ જવા લાગ્યો ત્યારે ભગવાન શિવે તેને અંગૂઠા વડે સહેજ દબાવ્યો અને કૈલાશ પર્વત ફરી જ્યાં હતો ત્યાં જ રહી ગયો. પરંતુ આ કારણે રાવણનો હાથ દબાઈ ગયો અને તે ’શંકર-શંકર’ (શમ+કર)કહીને ક્ષમા માંગતો રહ્યો. અર્થાત ક્ષમા કરો, ક્ષમા કરો અને સ્તુતિ કરવા લાગ્યો. આ ક્ષમાયાચના અને પ્રશંસાની સ્તુતિ પાછળથી ’શિવ તાંડવ સ્તોત્ર’ તરીકે જાણીતી થઈ. શિવ તાંડવ સ્તોત્રની રચના ઉપરાંત, રાવણે અન્ય ઘણા તંત્ર ગ્રંથોની રચના કરી હતી. ‘રાવણ સંહિતા’માં જ્યોતિષ અને તંત્ર વિદ્યાથી સંબંધિત મંત્રોના રૂપમાં જ્ઞાનનો ભંડાર છે. રાવણ સારી રીતે
- Advertisement -
જાણતો હતો કે મંત્રોમાં અપાર શક્તિ છે. રાવણે મંત્ર સાધના કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્રના અનેક રહસ્યો આ ગ્રંથમાં છે, બીલીપત્ર તેમજ અન્ય દિવ્ય વનસ્પતિઓનું પૂજામાર્ગમાં મહત્વ સમજાવ્યું છે. ‘અરુણ સંહિતા’આ મૂળ સંસ્કૃત ગ્રંથનો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે. આ પુસ્તક જન્માક્ષર, હસ્તરેખાશાસ્ત્ર અને સમુદ્ર શાસ્ત્રનું મિશ્રણ છે.એવું માનવામાં આવે છે કે આ જ્ઞાન સૂર્યના સારથિ અરુણે લંકાના શાસક રાવણને આપ્યું હતું. એવું કહેવાય છે કે રાવણે પોતે અંક પ્રકાશ, ઈન્દ્રજાળ, કુમારતંત્ર, પ્રાકૃત કામધેનુ, પ્રાકૃત લંકેશ્વર, ઋગ્વેદ ભાષ્ય, રાવણિયમ, નાડી પરિક્ષા વગેરે પુસ્તકોની રચના કરી હતી. દસ શતક્ય અર્કપ્રકાશ, દસ પાતાલિકા ઉદ્દીષ્ટતંત્ર, કુમારતંત્ર અને નાડી પરિક્ષા…રાવણના આ ગ્રંથો ચિકિત્સા અને તંત્રના ક્ષેત્રમાં પ્રસિદ્ધ છે. રાવણના આ ચાર ગ્રંથો અદ્ભુત માહિતીથી ભરેલા છે. રાવણે અંગૂઠાના મૂળમાં ચાલતી ધમનીને જીવન નાડી તરીકે વર્ણવી છે, જે સમગ્ર સ્થિતિ અને સુખ-દુ:ખ વિશે જણાવે છે. રાવણ અનુસાર, સ્ત્રીઓમાં ડાબા હાથ અને પગની અને પુરુષોમાં જમણા હાથ અને પગની ચેતાની તપાસ કરવી જોઈએ, જેનું આજે પણ આયુર્વેદ પરંપરામાં અનુસરણ થાય છે. તેવી જ રીતે, બાળ આરોગ્ય યોજનાના વિચારક ’અર્કપ્રકાશ’ને રાવણ દ્વારા મંદોદરીના પ્રશ્નોના ઉત્તર તરીકે લખવામાં આવ્યું છે. જેમાં ગર્ભસ્થ શિશુને લગતી સમસ્યાઓ, રોગ, કાળ, રાક્ષસી રોગ સર્જિત વ્યાધિઓ વગેરેથી મુક્ત રાખવાના ઉપાયો આપવામાં આવ્યા છે. ’કુમારતંત્ર’માં માતૃકાઓને પૂજા વગેરે અર્પણ કરીને પરિવારને સ્વસ્થ રાખવાનું વર્ણન છે. જેમાં માતૃત્વના રોગો જેવા કે શીતળા, અછબડા વગેરે સમાન કૂળના રોગના લક્ષણો અને નિવારણના ઉપાયો સમજાવવામાં આવ્યા છે.
સંગીતજ્ઞ રાવણને અનેક રાગ રાગીણીઓ વિશે જ્ઞાન હતું. સંગીત દ્વારા અધ્યાત્મ વિશે તેણે અનેક મીમાંસા લખી છે.
શિવ પ્રત્યેની તેમની ભક્તિથી પ્રેરિત થઈ રાવણે રુદ્ર વીણાની શોધ કરી હોવાનું કહેવાય છે. તેણે વીણા પર સંગીત વગાડ્તો ત્યારે સમગ્ર બ્રહ્માંડ અને દેવગણ મંત્રમુગ્ધ થઈ જતાં. રાવણના ધ્વજ પર પણ વીણાનું ચિત્ર અંકિત હતું જે તેના સંગીત પ્રત્યેના પ્રેમને દર્શાવે છે.
રાવણ એક બહુઆયામી વ્યક્તિત્વ હોવા છતાં, માનવ ઇતિહાસમાં સૌથી વધુ અર્થઘટન કરાયેલ મહાકાવ્ય રામાયણમાં રાવણના પાત્રને વિરોધી પાત્ર, પ્રતિપક્ષ માત્ર, તરીકે રજૂ કરવામાં આવ્યું છે. પ્રખ્યાત અને વ્યાપક રામાયણના એક મુખ્ય પાત્રને સમજવા માટે જે તે સમયે રચાયેલ સાહિત્યમાં તેના વિશેની બહુઆયામી માહિતીઓનો અભાવ ઉઠીને આંખે વળગે એવો છે. વળી, તેના વિશે જે કંઈ જાણીતું છે તે તમામમાં, પૌરાણિક કથાઓ, ધાર્મિક વિધિઓ અને પ્રતીકોની જેમ, રાવણનો ઉપયોગ માત્ર અને ફક્ત એક રૂપક તરીકે થાય છે કે વ્યક્તિએ પોતાનું જીવન કેવી રીતે જીવવું જોઈએ અથવા કેવી રીતે ન જીવવું જોઈએ. આ મુદ્દાઓ પ્રશ્ન ઉભો કરે છે કે આવું શા માટે? વાલ્મીકિએ રાવણના ચરિત્રના અનેક રંગો ઉજાગર કર્યા છે પણ તુલસીદાસે રાવણના ચરિત્ર ચિત્રણમાં વાસના, અહંકાર, સામર્થ્યના દુરોપયોગ સંદર્ભે જ રાવણને વધુ મુલવ્યો છે!દશાવતારચરિત વગેરે જેવા હિન્દુ ગ્રંથોમાં અને જૈન ગ્રંથોમાં પણ રાવણનો ઉલ્લેખ છે.
ીજું, વિશ્વભરમાં રામાયણના ત્રણસો એક સંસ્કરણો પ્રચલિત છે. તેમાં રાવણની ભૂમિકા અલગ અલગ આકૃતિ ઉભી કરે છે. રાવણની મૂંઝવણભરી વિશેષતા એ છે કે જૈન સિદ્ધાંત અને વૈદિક શાસ્ત્ર બંનેમાં તેનો દરજ્જો છે: અલબત્ત, બંને સ્ત્રોતોમાં તેનો ક્યારેય રાક્ષસ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ દેવતા તરીકે ઉલ્લેખવામાં આવે છે. જૈન શાસ્ત્રોમાં રાવણને પ્રતિ-નારાયણ માનવામાં આવે છે. રાવણની ગણતરી જૈન ધર્મના 64 શલાક પુરુષોમાં થાય છે. રાવણની કથાનું એક રસપ્રદ અને મહત્ત્વનું પાસું એ છે કે જૈન અને હિંદુ માન્યતાઓ અને પ્રથાઓ વચ્ચેના વૈચારિક મતભેદોએ બે ગ્રંથો વચ્ચેના વર્ણનાત્મક તફાવતોને આકાર આપ્યો. ઉદાહરણ તરીકે, મોટા ભાગની હિંદુ કથાઓ રામે રાવણને માર્યા સાથે સમાપ્ત થાય છે, પરંતુ મોટાભાગની જૈન વાર્તાઓ રામે જૈન સાધુ બનવાના શપથ લીધા સાથે સમાપ્ત થાય છે. આ વર્ણનાત્મક તફાવતો સાથે, જૈન વાર્તાઓમાં મૂળ વાર્તાનાં અલૌકિક પાસાઓને પણ દૂર કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, જૈન ગ્રંથો રાવણને દસ માથા ધરાવતા હોવાનું વર્ણન કરતા નથી, પરંતુ તેના બદલે તેના બાળપણની એક વાર્તા કહે છે જેમાં ગળાનો હારના દસ રત્નોનું પ્રતિબિંબ તેના માથા પર પડે છે. જો કે, કેટલાક દલીલ કરે છે કે રાવણના રાક્ષસી ગુણોને ઘટાડવા માટે આ ઇરાદાપૂર્વકનો ફેરફાર હતો. આ દલીલ અર્થપૂર્ણ છે કારણ કે આવા ફેરફાર આ વાર્તાને તેમની વિચારધારાઓ સાથે જોડવામાં મદદરૂપ છે.
દક્ષિણ ભારતીય ગ્રંથો ઘણીવાર રાક્ષસો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે. ઉદાહરણ તરીકે, કમ્બીના ઇરામાવતારમમાં, રાવણને ભયાનક રાક્ષસને બદલે એક દુ:ખી વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યો છે. એ સંસ્કરણોમાં દર્શાવે છે કે તે સીતાને તીવ્રપણે પ્રેમ કરે છે અને છતાં સીતા દ્વારા નકારવામાં આવે છે.
રાવણ વિશે વિચારતાં, ધર્મ-અધર્મ સંતુલનની વિભાવના; રાક્ષસો અને દુષ્ટ અવતારો વૈશ્વિક ક્રમને સંતુલિત કરવામાં જે ભૂમિકા ભજવે છે તે પૂર્વભૂમિકાના અનુસંધાનને આગળ કરીને એવી દલીલ પણ કરવામાં આવે છે કે રાવણ અત્યાચાર કરીને સંતુલન જાળવવા માટે પોતાનો ધર્મ નિભાવી રહ્યો છે! રાવણને ત્રણ વખત પુન:જન્મ માટેના કાર્યોની તુલના અને તેના પરિણામોને મુલવીને(એક રાક્ષસ તરીકે ત્રણ જીવન જીવે છે), તેની સાથે સહાનુભૂતિ અનુભવનાર એક વર્ગ છે. ખાસ કરીને દક્ષિણમાં વીસમી સદીના દ્રવિડ ચળવળ અને રાવણને દ્રવિડ-તમિલ પરંપરા સાથે જોડવાનું શરૂ થયું ત્યારથી રાવણને નાયક તરીકે ચિત્રણ કરવાનું શરૂ થયું. ઉત્તર ભારતમાં દશેરાના રોજ રાક્ષસ રાવણ,તેના ભાઈ અને પુત્રના પૂતળાં બાળીને તેના પ્રત્યે નફરત વ્યક્ત કરવાનો રિવાજ છે. બીજી તરફ, બૈજનાથ ખાતે, શ્રદ્ધાળુ હિન્દુઓને રાવણદહનની મંજૂરી નથી, કારણ કે તેઓ શિવપંથી છે (રાવણ પોતે હતો), અને તેઓ માને છે કે રાવણને પ્રતાડના એ શિવનું અપમાન છે. રાવણના ખરાબ ગુણો હોવા છતાં, તે શિવનો કટ્ટર અને સમર્પિત ભક્ત હતો એ અહીં મહત્વનું છે. આ બતાવે છે કે કેવી રીતે આપણાં ભારતમાં વિવિધ દેવતાઓની પૂજા રાવણ સાથે અનન્ય સંધાન બનાવે છે. વૈષ્ણવ દ્રષ્ટિકોણથી, રાવણ તેમના ભગવાનનો દુશ્મન છે!? રાવણના અસામાન્ય નિરૂપણનું બીજું ઉદાહરણ અધ્યાત્મ રામાયણમાં છે, જેમાં વાર્તાનું સંક્ષિપ્ત વાલ્મીકિયન વર્ણન છે, જેનું ભક્તિ પ્રકાશમાં પુન: અર્થઘટન કરવામાં આવ્યું છે. આ અર્થઘટનમાં, રામ જાણે છે કે તે વિષ્ણુનો અવતાર છે, અને તેના કારણે રાવણ તેના હાથે મરવા માટે તેનો દુશ્મન હોવાનો ઢોંગ કરે છે. રાવણ જાણતો હતો કે જો કોઈ વિષ્ણુના હાથે મૃત્યુ પામશે તો તેને વૈકુંઠમાં પુરસ્કાર મળશે, તેથી તેનો તર્ક સ્પષ્ટ છે
જ્યાં સુધી કેટલીક દંતકથાઓનો સંબંધ છે, રાવણ માત્ર બ્રહ્મા પાસેથી તેની શિક્ષા પૂરી કરવાની ક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે, અને તેથી પ્રશ્ન ઊભો થાય છે કે શું તેણે (રાવણ તરીકેના અસ્તિત્વ દરમિયાન) કરેલા કાર્યો તેના અંત:કરણમાં હતા અને શું તે કર્મો તેના મુક્ત થયા પહેલાના અંતિમ અને તેના ત્રીજા જન્મમાં અસર કરશે? શું રાવણ જેવી પરિસ્થિતિઓમાં કર્મ કોઈ ભૂમિકા ભજવે છે; જ્યાં તેનું જીવન કર્મને બદલે દેવતાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે? અને જો ભગવાન જીવનમાં કોઈના કર્મના માર્ગને પ્રભાવિત કરી શકે છે, તો શું આ કર્મના સિવાય જરૂરી સ્વતંત્ર ઇચ્છાને પ્રતિબંધિત કરે છે? ચોક્કસપણે આ પ્રશ્નોના જવાબો રામાયણના સંસ્કરણોની સંખ્યા જેટલા જ વિશાળ છે. રાવણના ઇતિહાસની વિવિધ વિગતોનો અભ્યાસ કર્યા પછી, આપણે તેના પાત્રની જટિલતાને વધુ સંપૂર્ણ રીતે જોઈ શકીએ છીએ. આ અર્થઘટન સદીઓથી ચાલી આવેલી વ્યાખ્યાથી બનેલું છે, આ વ્યાખ્યાઓ પણ અનન્ય સંસ્કૃતિઓના રંગમાં રંગાયેલી છે. રાવણ વિશે જેમ જેમ વધુ સંશોધન કરીએ, તેના પાત્રને સમજવા ચિંતન કરીએ તેમ તેના કાર્યો પર મૂલ્યવાન નિર્ણયો લેવાનું શરૂઆતમાં કલ્પના કરતાં વધુ મુશ્કેલ બનાવે છે. રાવણ વિરોધાભાસી ગુણોથી ભરેલો છે, દ્વેષથી ભરપૂર, સીતા પ્રત્યેના પ્રેમથી ભરપૂર, સંયમ ન રાખવાથી લઈને ધીરજ રાખવા સુધીની તેની યાત્રા વિશેષ વ્યક્તિત્વની ચાડી ખાય છે. રાવણનું પાત્ર માનવના સારા અને અનિષ્ટ બંને બનવાની તેની ક્ષમતાને સમાંતર બનાવે છે, અને આપણે બધા જે આંતરિક સંઘર્ષોનો સામનો કરીએ છીએ તેનું (પ્રમાણમાં સંબંધિત) મોડેલ બનાવે છે. વાર્તાઓ ગતિશીલ અને જીવંત છે, આ વાતનું રામાયણ કરતાં વધુ શ્રેષ્ઠ કોઈ ઉદાહરણ નથી. અર્થઘટનની ક્રિયા કુદરતી રીતે કથાની સંરચનામાં ફેરફાર કરે છે, અને આપણે અને આપણી સંસ્કૃતિઓ દેખીતી રીતે આ જન્મજાત અર્થઘટનાત્મક મુદ્દાઓ પ્રત્યે ખૂબ સંવેદનશીલ છીએ તેથી જ રાવણને આપણે કોઈ નવા રુપમાં મુલવવા નથી માંગતાં. કારણ કે રામને ’રામ’ બનાવવામાં રાવણનો મોટો ફાળો છે!
રાવણ કોઈ વ્યક્તિ નથી ઘટના છે, કાળખંડનો એક હિસ્સો છે.
રાવણ હશે ત્યાં સુધી રામ રહેશે અને રામ ચીરકાલીન અનંતકાળ સુધી યાવત ચંદ્ર દિવાકરો.. છે તેથી રાવણ પણ લોકસ્મૃતિઓમાં, ઇતિહાસમાં, લોકોના પ્રેમ અને નફરતમાં, સહાનુભૂતિ અને રોષમાં હંમેશા રહેશે. માનવ સભ્યતાનો એક સદાકાળ સંદેશ આપશે કે અગાધ જ્ઞાન, અમાપ સિદ્ધિઓ, અને અદભુત શક્તિઓ હોવા છતાં ઐશ્વર્ય અને સમૃદ્ધિ ત્યાં જ ટકે છે જ્યાં નીતિમત્તા હોય. નૈતિક મૂલ્યોને જગ્યા હોય. ધનબળ, જનબળ, બાહુબળ, જ્ઞાન બળ… સંસારભરના બળ હસ્તગત હોય પણ નૈતિક બળ વગર બધું વ્યર્થ થઈ જાય છે.
અપ્રતિમ આભા, ઐશ્વર્ય, સિદ્ધિઓ, અગાધ જ્ઞાન, સાધના, અદ્વિતીય સામર્થ્ય, પાંડિત્ય પ્રચુરતા…ભારતીય સંસ્કૃતિના અને વિશ્વ સાહિત્યના મહાનાયક બનવાની લાયકાત ધરાવતો રાવણ તેના આ જ ગુણોનો અનુચિત ઉપયોગ કરીને વિશ્વ સાહિત્યનો ખલનાયક બનીને રહી ગયો.
ઉત્તર ભારતમાં જ્યાં દશેરાના રોજ રાવણદહન થાય છે, ત્યાં હિમાચલ પ્રદેશના બૈજનાથ ખાતે શ્રદ્ધાળુ હિન્દુઓ રાવણદહનની મંજૂરી નથી આપતા, કારણ કે તે શિવપંથી (શિવભક્ત) હતો અને તેનું અપમાન શિવનું અપમાન માનવામાં આવે છે