રાજ્યભરમાં ઉત્સાહભેર રથયાત્રાનું આયોજન, ભાવનગર, ડાકોર, શામળાજી સહિત વિવિધ શહેરોમાં રથયાત્રા પર્વની રંગેચંગે ઉજવણી
- Advertisement -
રાજ્યમાં હર્ષોલ્લાસ પૂર્વક રથયાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે. મહાનગરો સહિત વિવિધ વિસ્તારોમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાને કારણે બે વર્ષ બાદ ભક્તો સાથે રથયાત્રા કાઢવાનો અવસર મળ્યો છે જેને લઇને ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. રથયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત સાથે જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે આવો જાણીએ રાજ્યમાં ક્યાં અને કેવી રીતે રથયાત્રા પર્વની ઉજવણી કરવામાં આવી.
ભાવનગરમાં 37મી રથયાત્રા
ભાવનગરમાં ભગવાન જગન્નાથની 37મી રથયાત્રા નીકળી. ભાવનગરમાં મહારાજા વિજયરાજસિંહ જી અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ રથયાત્રા પ્રસ્થાન કરાવી હતી. જે શહેરના 18 કિલોમીટરના રૂટ પર ફરીને રાત્રે નિજ મંદિરમાં પરત ફરશે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરની રથયાત્રા સવારે 8 વાગ્યે ભગવાનેશ્વર મહાદેવના મંદિરેથી શરૂ થઇ હતી. ભગવાન જગન્નાથજીની 37 મી રથયાત્રાને લઈને સર્વત્ર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
ડાકોરનાં 250મી રથયાત્રા
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન જગન્નાથની 250મી રથયાત્રા નીકળી. ભગવાન રણછોડજીની આરતી બાદ ચાંદીના રથમાં ભગવાન બિરાજમાન થયા ત્યારબાદ રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં પહેલાં મંદિર ઘુમ્મટની અંદર 5 પરિક્રમા અને ત્યારબાદ મંદિર પરિસરમાં 11 પરિક્રમા કરવામાં આવી હતી. જે બાદ ભગવાન 8 કિલોમીટરના રૂટ પર રણછોડ રાય નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત સાથે ભક્તોનું પણ ઘોડાપુર ઉમટ્યું.
શામળાજીમાં નીકળી રથયાત્રા
તો આ તરફ અરવલ્લીના શામળાજીમાં કાળિયા ઠાકોર પણ રથયાત્રાએ નીકળ્યા. મહત્વનું છે કે અહીં શામળાજી બાળસ્વરૂપે બિરાજમાન છે. રથયાત્રા મંદિર પરિસરમાં 7 આંટા ફેરવવામાં આવ્યા. જો કે આ દરમિયાન વરસાદના અમીછાંટણા પણ થતા ભક્તોમાં હરખની લાગણી જોવા મળી.
બનાસકાંઠામાં નીકળી રથયાત્રા
તો આ તરફમાં બનાસકાંઠામાં પણ રથયાત્રા યોજાઇ. પાલનપુરના 19 કિલોમીટરના રુટ ઉપર આયોજન કરવામાં આવ્યું. રથયાત્રામાં હાથી, ઘોડા અને ઊંટલારી પણ જોડાઇ. રથયાત્રામાં મગ, કાકડી અને જાંબુના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું . હજારોની સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા હતા.
દાહોદમાં હર્ષોલ્લાસ ભેર રથયાત્રાનું આયોજન
દાહોદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઇ. હાથી, ડીજે સાથે રથયાત્રા નીકળી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. રસ્તા પર જ્ય જગન્નાથના નારા સાથે આનંદપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા નીકળી.
સાબરકાંઠામાં રથયાત્રાની ઉજવણી
સાબરકાંઠાના ઈડરમાં ધામધૂમથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી. અમીછાંટણા વચ્ચે ભગવાન નગરચર્યાએ નીકળ્યા. નગર ઉત્સવ સમિતિ દ્વારા કરાયું રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. પોલીસ કાફલા વચ્ચે રથયાત્રા નીકળી. મગ અને જાંબુના પ્રસાદના વિતરણ સાથે નગરજનો જગન્નાથજીના દર્શન કરીને ધન્ય બન્યા.