રાજકોટમાં સતત 23માં વર્ષે રથયાત્રા, કોટેચા ચોકથી શરૂ થઇ ઇસ્કોન મંદિરે પૂર્ણ થશે
5000 કિલો બુંદીના એક લાખથી વધુ પેકેટ પ્રસાદીનું વિતરણ કરાશે, સાંજે મંદિરે મહાપ્રસાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કાલે અષાઢી બીજનો શુભ દિવસ છે અને આ દિવસે વિશ્વભરમાં જગન્નાથ રથયાત્રાનું મહોત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. રાજકોટમાં પણ ઇસ્કોન મંદિર દ્વારા વર્ષ 2003થી દર વર્ષે ભગવાન જગન્નાથ, બળદેવ, સુભદ્રાજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે કાલે ભગવાન જગન્નાથ, બળદેવ, સુભદ્રાજી નગરચર્યાએ નીકળશે અને ભાવિકોને દર્શન આપશે. ઇસ્કોન મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજીએ જણાવ્યુ કે આ વર્ષે ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રા સાંજે 5 કલાકે રામકૃપા ડેરી કોટેચા ચોક ખાતેથી શરુ થશે અને ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક, જે કે ચોક, એજી ચોક થી કાલાવડ રોડ પર જડ્ડુસ ચોક, કટારીયા સર્કલ થઇ ઇસ્કોન મંદિરે આવશે. રાત્રે 8 વાગેથી સૌ દર્શનાર્થીઓ માટે મંદિરે ભંડારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે. રથયાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગો પર દર્શન કરતાં દર્શનાર્થીઓને ભગવાનનો પ્રસાદ મળી રહે તે હેતુથી ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા આશરે 5000 કિલો બુંદીના એક લાખથી વધુ પેકેટ બનાવવામાં આવશે જે રથયાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગો પર વિતરણ કરવામાં આવશે. રથયાત્રા દરમિયાન શહેરના માર્ગો પર હરે કૃષ્ણ મહામંત્રનું મધુર કીર્તન ચાલુ રહેશે. ઉપરાંત ભક્તજનો દ્વારા કીર્તન ઉપર પારંપરિક નૃત્ય પણ કરવામાં આવશે.
આ વર્ષે રથયાત્રાની ઉજવણીમાં ભાગ લેવા માટે વિશેષ અતિથિ રૂપે સિંગાપુર ઇસ્કોન મંદિરના પ્રમુખ તેમજ વિશ્વવિખ્યાત મોટીવેશનલ સ્પીકર દેવકીનંદન પ્રભુજી રાજકોટ પધારવાના છે. દેવકીનંદન પ્રભુજી પોતાના શ્રીમદ ભગવદગીતા તેમજ શ્રીમદ્ ભાગવતમ ઉપરના વ્યવહારુ માર્ગદર્શન માટે તેમજ સુમધુર કીર્તન માટે વિશ્વવિખ્યાત છે. આ વર્ષે શહેરના રાજમાર્ગો દેવકીનંદન પ્રભુજીના સુંદર કીર્તનથી પણ ગુંજી ઉઠશે. આમ, રાજકોટની ધર્મ પ્રેમી અને ઉત્સવ પ્રેમી જનતાને રથયાત્રાના દિવસે ભગવાનના રથ ખેંચવાનો લાભ લેવા માટે તેમજ રથયાત્રાના દિવસે સાંજે ભંડારા પ્રસાદનો લાભ લેવા માટે મંદિરે પધારવાનું ભાવભર્યું આમંત્રણ છે.