સુરતના સચિન વિસ્તારમાં પિતાના મિત્ર યુસુફ ઈસ્માઈલએ જ માસુમને રમાડવા લઈ જવાના બહાને પીંખી નાખી હત્યા કરી હતી
ખાસ-ખબર સંવાદદાતા
સુરતના સચિન વિસ્તારમાં આવેલા કપલેથા ગામમાં પાંચ મહિના પહેલાં બે વર્ષની બાળકી સાથે થયેલા રેપ વિથ મર્ડરની ઘટનામાં સુરત સેશન્સ કોર્ટમાં આજે મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. બળાત્કાર બાદ હત્યા કરનાર આરોપીને સુરત સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. 27 ફેબ્રુઆરીના રોજ 1 વર્ષ અને 9 મહિનાની બાળકી સાથે રેપ વિથ મર્ડરની ઘટના બની હતી. આ કેસમાં બે દિવસ પહેલાં જ સુરતની સેશન્સ કોર્ટે નરાધમ આરોપી યુસુફ ઇસ્માઈલને દોષિત જાહેર કર્યો હતો. જ્યારે આજે કોર્ટે ચુકાદો આપતા આરોપીને ફાંસીની સજા સંભળાવી છે.
- Advertisement -
સેશન્સ કોર્ટના છઠ્ઠા એડિશનલ જજ એસ.એન. સોલંકીની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. 23 વર્ષના નરાધમ ઈસ્માઈલે બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી. ઈસ્માઈલ બાળકીના પિતાનો મિત્ર હતો. ઈસ્માઈલ બાળકીને અવારનવાર રમાડવા લઈ જતો હતો. રમાડવાના બહાને યુસુફ બાળકીને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કરી બાળકીની હત્યા કરી હતી. ઈસ્માઈલે બાળકીના શરીર પર અલગ અલગ જગ્યાએ ઈજા પહોંચાડી હતી અને પેટના ભાગે છરી મારી હતી. ઈસ્માઈલે પોતાના મોબાઈલમાં બાળકીના નાભિના ભાગને કઈ રીતે ડેમેજ કરાઇ તેના વીડિયો પણ જોયા હતા.
27 ફેબ્રુઆરીએ ઘટના બની હતી
સુરતના સચિન વિસ્તારમાં આવેલા કપલેથા ગામમાં ગત 27 ફેબ્રુઆરીના રોજ ખૂબ જ હચમચાવી અને રુવાંટાં ઊભાં કરી દેતી ઘટના સામે આવી હતી. એક વર્ષ અને નવ મહિનાની માસુમ બાળકી સાથે વિધર્મી યુવકે બળાત્કાર કરી ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે આરોપી 23 વર્ષીય ઈસ્માઈલ યુસુફ હજાતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પોલીસે ઝડપી ચાર્જશીટ રજૂ કરી કેસની કાર્યવાહી શરૂ કરી હતી.
ગત સુનાવણીમાં ફાંસીની સજાની સરકારી વકીલે માગ કરી હતી
ગત સુનાવણીમાં સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે 27 ફેબ્રુઆરી 2023ના રોજ સચિનના કપલેથા ગામે 1 વર્ષ અને 9 મહિનાની બાળકી પર આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાતે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ તેની હત્યા કરી હતી. એટલું જ નહીં, બાળકીના શરીરના ભાગે ઈજા પહોંચાડી હતી તેમજ તેના પેટના ભાગે બચકા ભરી ઈજા પણ પહોંચાડવામાં આવી હતી. આ કૃત્ય બાદ આરોપી બાળકીની લાશને ફેંકીને ભાગી ગયો હતો. પોલીસે આ આરોપીને 28 ફેબુઆરીના રોજ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં ટૂંક સમયમાં જ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી.