નરેશ પટેલે કહ્યું, ‘રાજકારણમાં રસ ન લઈએ તો સમાજના કામ ન થાય, ખોડલધામ ડિસ્ટર્બ થઈ રહ્યું છે!’
લેઉઆ પાટીદાર સમાજ અને સૌરાષ્ટ્રના રાજકારણનાં કિંગ કોણ?
- Advertisement -
ઈફ્ફકો ચૂંટણીનો મામલો વધુ સળગ્યો, રાખ નીચે અંગારા ધગધગતાં હતાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
સૌરાષ્ટ્રના બે પાટીદાર અગ્રણીઓ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે વર્ચસ્વ અને પ્રભાવની લડાઈ ચરમસીમા તરફ આગળ ધસી રહી છે. બંને વચ્ચેનો વિવાદ હવે જાહેરમાં આવી ગયો છે. એક સમયે ગણગણાટ જેવું ચાલતું હતું – આ મામલે હવે સામસામી ગર્જનાઓ થઈ રહી છે.
- Advertisement -
ખોડલધામના ચેરમેન અને સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર આગેવાન નરેશભાઈ પટેલનો આજે જન્મદિવસ છે ત્યારે આજે જયેશ રાદડિયા સાથેના કોલ્ડ વોર મામલે જણાવ્યું હતું કે, રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, જયેશ રાદડિયા પાટીદાર યુવા નેતા છે અને તેમને જ્યારે જરૂર પડે ત્યારે ખોડલધામ તેમની સાથે ઊભું રહ્યું છે. રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય અને રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય છે.
દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કોમાં ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયા ચૂંટાઇ આવ્યા પછી રાજકોટમાં 11 મેના રોજ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં જયેશ રાદડિયાએ રાજકીય ક્ષેત્રમાં સામાજિક સંસ્થાઓએ ન આવવું જોઈએ એવું નિવેદન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, કોઈ સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ન આવવું જોઈએ. રાજકારણમાં સામાજિક સંસ્થાઓએ ન ઝંપલાવવુ જોઈએ. સામાજિક સંસ્થાઓના વડાને કહેવા માગું છું કે, સમાજમાં રાજકારણ કરવાને બદલે જો રાજકારણ કરવું જ હોય તો રાજનીતિમાં આવી જવું જોઈએ.
રાજકોટના ખોડલધામ ટ્રસ્ટ ખાતે આજે નરેશ પટેલના જન્મદિવસની અનુલક્ષીને 30મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં લેઉવા પાટીદાર સમાજના સામાજિક, રાજકીય અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખોડલધામના ટ્રસ્ટીઓ અને ક્ધવીનરોની આજે મહત્વપૂર્ણ બેઠક છે. જેમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહેશે.
બેઠકમાં સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જયેશ રાદડિયા સાથેના કોલ્ડ વોરની ચર્ચા મામલે જણાવ્યું હતું કે, મુદ્દો સવા માસ જૂનો (ઇફ્કો ચૂંટણી) છે. એક પત્રિકા સવા મહિના પછી વાઇરલ થઈ છે. જેનાથી રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને લાગે છે. કોઈ પણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી. સાચી વાત સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ. જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજના કામ ન થાય. જે રાજકારણમાં છે તેમને હું સપોર્ટ કરીશ. જો કે, પોતે રાજકારણમાં જોડાશે કે કેમ તે બાબતે કહ્યું હતું કે, હું રાજકારણમાં નહીં જોડાઉં.
ઘરની વાત ઘરમાં રાખવા નરેશ પટેલનો આગ્રહ
આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પાટીદારોનો સરદાર કોણ? તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, તે તો જનતા નક્કી કરશે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, દેશના રજવાડાઓને એક કરનારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહી ગયા છે કે, ઘરની વાત ઘરમાં રાખવી. પરંતુ આજે અફસોસ સાથે કહેવું પડે છે કે, અમે જ ઘરની વાત ઘરમાં રાખી શકતા નથી. ખોડલધામ તરફથી ખાતરી આપું છું કે કોઈ રાગદ્વેષ નથી. જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા છે. તેને જ્યારે જરૂર પડે છે ત્યારે તેમની સાથે ઉભા રહ્યા છીએ.