કૌટુંબીક બહેનના લેન્ડ ગ્રેબીંગ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરના ગોપાલ ચોક પાસે આવેલી ભીડભંજન સોસાયટીમાં નિવૃત સર્કલ ઓફિસરનું કિંમતી મકાન પચાવી પાડવાના કેસમાં નોંધાયેલા લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળની ફરિયાદમાં આરોપી અને ફરીયાદીની કૌટુંબીક બહેન રંજનબા બળદેવસિંહ રાયજાદાને ગુજરાત હાઈકોર્ટે રેગ્યુલર જામીન પર છૂટકો આપવાનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બેડીયા ગામે રહેતા નરેન્દ્રસિંહ માનસિંહ જાડેજાએ ફરીયાદ કરી હતી કે તેમના માલિકીના રૈયાના રેવન્યુ સર્વે નં. 81ની જમીન પર આવેલ મકાન તેમના સંબંધીઓએ વર્ષ 1995માં સંબંધના દાવે રહેવા માટે લીધું હતું. બાદમાં મકાન ખાલી કરવા કહેતા આરોપીઓએ મકાનની કિંમત જેટલા રૂપિયા આપો તો જ ખાલી કરીશું એવી અડગ ભૂમિકા લીધી હતી. પરિણામે આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.
રાજકોટના ગાંધીગ્રામ (2) પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટની કલમ 3, 4 અને 5 હેઠળ ગુન્હો નોંધાઈ, પોલીસે તા. 28 જુલાઈ 2025એ આરોપી રંજનબાની ધરપકડ કરી હતી. સ્પેશિયલ લેન્ડ ગ્રેબીંગ કોર્ટમાં રજુઆત બાદ તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા હતા.
સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર થતાં આરોપીએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. બંને પક્ષકારોની દલીલો, પોલીસ તપાસના દસ્તાવેજો અને અગાઉના ચુકાદાઓના આધાર પર હાઈકોર્ટે આરોપી રંજનબાને રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
આ કેસમાં આરોપી તરફથી એડવોકેટ જિજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ. જાદવ સાથે મદદનીશ તરીકે અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા તથા ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ મેહુલ એસ. પાડલીયા હાજર રહ્યા હતા.