રામનવમીએ રામનગરીમાં રામજન્મભૂમિ, હનુમાનમઢી, કનકભવનમાં ભાવિકોની ભીડ ઉમટી
લાખો ભકતોએ કર્યું સરયુ સ્નાન: હેલિકોપ્ટર દ્વારા હવાઈ દર્શનની વ્યવસ્થા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભગવાન શ્રીરામની જન્મ જયંતિ રામનવમી પર્વના રંગે આજે આખો દેશ રંગાયો છે.ત્યારે ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં 9 દિવસીય રામનવમી મેળામાં ભાવિકોની ભીડ ઉમટી પડી હતી.
શ્રીરામ જન્મોત્સવ નિમિતે પૂરી અયોધ્યાનગરીને શણગાર કરાયા હતા. શ્રીરામ જન્મોત્સવ ભવન મંદિર અને રામ જન્મભૂમિ મંદિરમાં ઉજવાયો હતો.રામલલા મંદિરને ફૂલોથી સજાવાયું હતું. રંગોળીથી સજાવટ કરાઈ હતી. મંદિરમાં દર્શન કરનારાઓ શ્રધ્ધાળુઓ માટે વિશેષ ફળાહાર પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી.
અયોધ્યામાં લાખો ભાવિકો ઉમટી પડયા હતા. જેને પગલે પ્રશાસન મુખ્ય મંદિરોમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત કર્યો હતો. રામનવમીએ પહેલીવાર રાજય પર્યટન વિકાસ નિગમ લિમિટેડ અને હેરીટેજ એવિએશને હેલીકોપ્ટર દ્વારા અયોધ્યામાં હવાઈ દર્શનની વ્યવસ્થા જેના માટે સરયુ અતિથિ ગૃહ પાસે હેલિપેડની વ્યવસ્થા કરાઈ છે. આ વખતે અયોધ્યામાં રામ નવમીએ રામાયણ કોન્કલેવનું આયોજન રામકથા પાર્કમાં થયું હતું. જેમાં દેશ-વિદેશનાં કલાકારોએ પર્ફોમન્સ રજુ કર્યુ હતું.
રામ નવમીએ અયોધ્યામાં રામલલાના દર્શનનો સમયગાળો પણ વધારવામાં આવ્યો હતો. રામનવમીનાં પર્વે આજે લાખો ભકતોએ સરયુ સ્નાનનો લાભ પણ લીધો હતો. રામજન્મ ભુમિ, કનક ભવન, હનુમાનમઢી,સહિતના મુખ્ય મંદિરોમાં શ્રધ્ધાળુઓનો પ્રવાહ રહ્યો હતો. ભગવાન રામના જન્મોત્સવ પર્વે રામલલા પર કિવન્ટલ પંચામૃતનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રામલલાને રત્નજડીત પીળા રંગનો પોશાક ધારણ કરાવાયો હતો. રામલલાને અઢી કવીન્ટલ પંજરીની સાથે 56 ભોગ ધરાવવામાં આવ્યા હતા.